BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડીમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્રની કામગીરી, કાયમી ઉકેલની રાહમાં સ્થાનિકો

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ ની સૂચના બાદ કામગીરીની શરૂઆત, કાયમી ઉકેલ ક્યારે?

રાજપારડીમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્રની કામગીરી, કાયમી ઉકેલની રાહમાં સ્થાનિકો

 

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભારે વરસાદ બાદ વર્ષો જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાજરાજેશ્વરી સોસાયટીમાં વરસાદી પાણી મકાનોમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પરિસ્થિતિથી નારાજ રહીશોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર રસ્તા રોકો આંદોલન કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

 

આ ઘટનાના પગલે ગ્રામ પંચાયતના તલાટી, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ તેમજ ભાજપા અગ્રણી વિક્રમસિંહ રાજે સ્થળ પર પહોંચી સોસાયટીના રહીશોની મુલાકાત લીધી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી.

 

સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ અને ગ્રામ પંચાયતના તલાટીની હાજરીમાં જેસીબી મશીન દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે હાલ પૂરતી સોસાયટીમાં ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

જોકે, તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી તાત્કાલિક રાહતરૂપ સાબિત થઈ છે, પરંતુ સ્થાનિકોના મનમાં હજુ પણ એક જ સવાલ છે કે વર્ષોથી ચાલતી આવી રહેલી પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? શું હાલની આ જેસીબી કામગીરીથી સમસ્યાનો અંત આવશે કે પછી આગામી વરસાદમાં ફરી એ જ પરિસ્થિતિ સર્જાશે? તેનો જવાબ હવે આવનારો સમય જ આપશે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!