વાવ-થરાદમાં ટીબી સામે મોટી પહેલ: રાહ CHC ખાતે બે હેન્ડહેલ્ડ એક્સ-રે મશીનનું લોકાર્પણ, શંકરભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
રાહ, વાવ-થરાદ: વાવ-થરાદ જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રાહ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે બે અદ્યતન હેન્ડહેલ્ડ એક્સ-રે મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ નવા પોર્ટેબલ એક્સ-રે મશીનોની મદદથી હવે જિલ્લાના હાઈ-રિસ્ક ગામોમાં સ્થળ પર જ છાતીના એક્સ-રે કરી શકાશે. પરિણામે ટીબીના સંભવિત દર્દીઓનું વહેલું નિદાન શક્ય બનશે અને તેમને સમયસર સારવાર મળી શકશે, જેનાથી ટીબી નિયંત્રણની કામગીરીને વધુ ગતિ મળશે.
હાલમાં વાવ-થરાદ જિલ્લાના 74 હાઈ-રિસ્ક ગામોમાં વિશેષ ટીબી સ્ક્રીનિંગ કેમ્પો યોજાઈ રહ્યા છે. નવા હેન્ડહેલ્ડ એક્સ-રે મશીનો ઉપલબ્ધ થતાં આ અભિયાનને વધુ વેગ મળશે અને વધુમાં વધુ લોકો સુધી આરોગ્ય સેવા ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે.
કાર્યક્રમ દરમિયાન ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને નિક્ષય પોષણ સહાય કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ કીટ આયુષ ગ્રુપ થરાદ, IMA થરાદ અને ભણસાલી ટ્રસ્ટના સહયોગથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે રાહ તાલુકાના મામલતદાર, નાયબ મામલતદાર, થરાદના SDM, થરાદ તથા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, ગામના સરપંચ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ આરોગ્ય ક્ષેત્રે આ મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો.





