GUJARATTHARADVAV-THARAD

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ ખાતે યોજી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, અધિકારીઓને સતર્ક રહેવા આપ્યા કડક નિર્દેશ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, નગરપાલિકા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વરસાદી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે રાહત અને બચાવ કામગીરીની પૂર્વ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
શંકરભાઈ ચૌધરીએ અધિકારીઓને 24 કલાક સતર્ક રહી કામગીરી કરવા, નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા, જરૂરિયાતમંદ લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ રાહત કેમ્પ, પીવાનું પાણી, વીજ પુરવઠો અને આરોગ્ય સેવાઓ સુચારુ રાખવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “વરસાદની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને સમયસર રાહત પહોંચાડવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”
બેઠક બાદ શંકરભાઈ ચૌધરીએ વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!