થરાદ પાણીમાં તરબોળ! કરોડોના રોડ પર પાણી ભરાતા રાતોરાત ડિવાઈડર તોડવાની નોબત, તંત્ર સામે ઉઠ્યા સવાલો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે થરાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગણેશ નગર સોસાયટી, ચામુંડા નગર સોસાયટી, શિવનગર વિસ્તાર, ઢીમા ત્રણ રસ્તા, ન્યુ મહેશ્વરી સોસાયટી અને શેણલ નગર સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી પ્રાંત અધિકારી સાજન મેર અને નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલ પરમાર રાત્રિના સમયે જ સ્થળ પર દોડી આવ્યા હતા. અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પાણીના નિકાલ અને લોકોને રાહત મળે તે માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.
બીજી તરફ ભારે વરસાદે તંત્રના વિકાસકાર્યો પર પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. વાવ કેનાલથી ચાર રસ્તા સુધી કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા નવા રોડ પર વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ડિસ્કવરી શોરૂમ પાસે તેમજ બજાર તરફ જતાં માર્ગ પર પાણીનો મોટો ભરાવો થયો હતો. પરિણામે નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલ પરમાર, નવનિયુક્ત પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા અને થરાદ પી.આઈ. એ.જી. રબારીને રાત્રિના સમયે જ ડિવાઈડર તોડીને પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી.
આ ઘટનાએ વિકાસકાર્યોની ગુણવત્તા અને આયોજન અંગે ગંભીર ચર્ચા જગાવી છે. સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે રોડ અને ડિવાઈડર બનાવવામાં આવ્યા હતા ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી?
સ્થાનિકોનું કહેવું છે કે એક તરફ પ્રજાના ટેક્સના નાણાંથી કરોડોના વિકાસકાર્યો થાય છે અને બીજી તરફ આયોજનના અભાવે એ જ કામને તોડી ફરીથી ખર્ચ કરવો પડે છે. વરસાદે માત્ર શહેરને જ નહીં, પરંતુ તંત્રની કામગીરીને પણ કસોટી પર મૂકી દીધી છે. હવે લોકો જવાબદાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરી ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી આયોજન કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.




