સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લો પૂરગ્રસ્તોની વ્હારે: હજારો ચહેરા પર આશાનું સ્મિત પરત લાવવાનો પ્રયાસ

વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ
ડો. પ્રદીપભાઈ ગરાસિયાના માર્ગદર્શન અને આર્થિક સહયોગ હેઠળ ડો. નિરવભાઈ પટેલની ટીમે પૂરપીડિત પરિવારોને કરિયાણું, ફૂડ પેકેટ્સ, તાડપત્રી સહિત જરૂરી રાહત સામગ્રીનું વિતરણ કર્યું
દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે અનેક પરિવારો જીવનજરૂરી વસ્તુઓથી વંચિત બન્યા છે. આવી કપરા સમયમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.
સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયા તથા નિવૃત્ત ખેતીવાડી અધિકારી ધનસુખ પટેલના માર્ગદર્શન અને આર્થિક સહયોગ હેઠળ યુવા આગેવાન ડો. નિરવ પટેલના નેતૃત્વમાં ટીમે વાંઝણા, બીલીમોરા નગરપાલિકા વિસ્તાર અને અનાવલ-તરકાણી સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી અસરગ્રસ્ત પરિવારોનો સ્થળ પર સર્વે કર્યો હતો.
સર્વે બાદ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટ્સ, તાડપત્રી, ઘરવખરીનો આવશ્યક સામાન તેમજ અંદાજે એક મહિના સુધી ચાલે તેટલું કરિયાણું વિતરણ કરવામાં આવ્યું. ટીમે દરેક પરિવારની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખી સહાય પહોંચાડતાં રાહત કામગીરીને વધુ અસરકારક બનાવી હતી.
આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં ડો. પ્રદીપભાઈ ગરાસિયા અને ડો. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી વિવિધ સેવાકીય અને માનવતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આ સેવા અવિરત ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે, “અમારી પ્રથમ પ્રાથમિકતા મુશ્કેલીમાં મુકાયેલા લોકોના જીવનમાં શક્ય તેટલી ખુશીઓ અને રાહતપહોંચાડવાની છે. સમાજના સહયોગથી અમે આ સેવાકીય કાર્યને વધુ વિસ્તૃત બનાવી રહ્યા છીએ અને આગામી સમયમાં પણજરૂરિયાતમંદોની પડખે મજબૂતીથી ઊભા રહીશું.”
રાહત કામગીરી દરમિયાન હિતેશભાઈ વાંઝણા, મનીષ ઢોડિયા, મુકેશભાઈ તીઘરા, ભુપેન્દ્રભાઈ તરકાણી, અરુણભાઈ તરકાણી, તિલકભાઈ, મુકેશભાઈ રાનકુવા, પથીક, જયદીપ વકીલ, કાર્તિક, દિવ્યેશ, સવિતાબેન, કલ્પના, જીગ્નેશ પ્રધાન, હિરેન, ભાવિક, ચંદ્રકાન્તભાઈ, સુમનભાઈ વાંઝણા સહિત અનેક કાર્યકરો અને આગેવાનો જોડાઈ સેવાકીય કામગીરીને સફળ બનાવી હતી.




