કાલોલના અલવા ગામે ખેત-મજૂરી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું: સામસામે લાકડી-પાઈપો ઊછળતા બંને પક્ષે મહિલાઓ સહિત અનેક ઘવાયા.

તારીખ ૨૬/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અલવા ગામના દેવચોટીયા મંદિરવાળા ફળિયામાં ૨૦ જુલાઈના રોજ ખેતરમાં મજૂરીકામે જવા બાબતે બોલાચાલી થયા બાદ બે જૂથ વચ્ચે હિંસક ધીંગાણું સર્જાયું હતું. સામસામે લાકડીઓ અને લોખંડની પાઈપો વડે હુમલો કરવામાં આવતાં બંને પક્ષના સભ્યોને ઈજાઓ પહોંચી હતી. આ મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ૮ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રથમ પક્ષના ફરિયાદી કિરીટભાઈ જાલમભાઈ પરમાર (ઉં.વ. ૪૦) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, ૨૦ જુલાઈના રોજ સવારે સાડા આઠ વાગ્યાના સુમારે તેમની કુટુંબી ભત્રીજા વહુ કપિલાબેન સંજયભાઈ પરમારે તેમની પત્ની ભાવનાબેનને “તમે મારા ઘરે ખેતરમાં મજૂરીએ કેમ નથી આવતા અને બીજાના ઘરે કેમ જાવ છો?” તેમ કહી ઝઘડો કર્યો હતો. કિરીટભાઈએ ઝઘડો શાંત પાડ્યા બાદ કપિલાબેને તેમના પતિ સંજયભાઈ અને રાહતળાવથી સાળા ભરતભાઈ માસુકભાઈ રાઠોડ અને સુરેશભાઈ ઉર્ફે લાલાભાઈ જશવંતભાઈ રાઠોડને બોલાવ્યા હતા.તમામ આરોપીઓએ લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે આવી ગાળો આપી હુમલો કર્યો હતો, જેમાં ભાવનાબેન તેમજ છોડાવવા પડેલી દીકરીઓ આરતીબેન અને હરસિદ્ધિબેન તથા કિરીટભાઈને હાથ તથા શરીરે ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ ઘર આગળ મૂકેલી એક્ટિવા ગાડીમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે મલાવ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ (૧) સંજયભાઈ રામાભાઈ પરમાર, (૨) કપિલાબેન સંજયભાઈ પરમાર, (૩) ભરતભાઈ માસુકભાઈ રાઠોડ, અને (૪) સુરેશભાઈ ઉર્ફે લાલાભાઈ જશવંતભાઈ રાઠોડ. સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જ્યારે સામા પક્ષના ફરિયાદી કપિલાબેન સંજયભાઈ પરમાર (ઉં.વ. ૪૧) એ વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે તેઓ ઘર આગળ કચરો વાળતા હતા ત્યારે કાકી સાસુ ભાવનાબેન કિરીટભાઈ પરમારે “હું બીજાના ઘરે મજૂરીએ જઈશ પણ તમારા ઘરે નહીં આવું” તેમ કહી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ગાળો બોલવાની ના પાડતા ભાવનાબેન અને તેમના પતિ કિરીટભાઈએ ઘરમાંથી બહાર ખેંચી ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન કાકા સસરા વિજયભાઈ જાલમભાઈ પરમારે પીઠના ભાગે લાકડીઓ મારી હતી અને દીકરી નેહા વચ્ચે પડતા તેના વાળ પકડી માર માર્યો હતો. ત્યારબાદ પતિ સંજયભાઈ શાકભાજી લઈને ઘરે આવતા તેઓ પૂછપરછ કરવા જતાં કિરીટભાઈએ લાકડી વડે તેમના ગાલ અને પીઠ પર ઘા ઝીંક્યા હતા. આ ઉપરાંત બીજા દિવસે મુકેશભાઈ કાંતિભાઈ પરમારે પણ ઘરે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે.સામે પક્ષના આરોપીઓ: (૧) ભાવનાબેન કિરીટભાઈ પરમાર, (૨) કિરીટભાઈ જાલમભાઈ પરમાર, (૩) વિજયભાઈ જાલમભાઈ પરમાર, અને (૪) મુકેશભાઈ કાંતિભાઈ પરમાર.કાલોલ પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે BNS (ભારતીય ન્યાય સંહિતા) ની વિવિધ કલમો ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩૨૪(૬), ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર કેશરસિંહ રાવતને સોંપી છે.






