GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

બીલીમોરા: પૂરગ્રસ્તોને ત્વરિત સહાય પહોંચાડવા માટે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધિકારીઓને તાકીદ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

બીલીમોરા નગરપાલિકા ખાતે પૂર પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક; કેશડોલ, આવાસ સહાય, પશુમરણ વળતર, સ્વચ્છતા અને પીવાના પાણી અંગે અધિકારીઓને તાકીદના નિર્દેશ

નવસારી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિ બાદ રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વધુ અસરકારક અને ઝડપી બનાવવા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બીલીમોરા નગરપાલિકા ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી અને અસરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય સમયસર પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પૂરના કારણે થયેલા નુકસાનની વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠકમાં ખાસ કરીને કેશડોલ સહાયનું ઝડપી વિતરણ, આવાસને થયેલા નુકસાનનો સર્વે અને સહાય, પશુમરણના કેસોમાં સમયસર વળતર, અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવાની કામગીરી, પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા તથા અન્ય રાહત અને પુનઃસ્થાપનની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પૂરગ્રસ્ત પરિવારોની સાથે મજબૂતીથી ઉભી છે અને સરકારના પ્રવર્તમાન ધારાધોરણો મુજબ દરેક પાત્ર લાભાર્થી સુધી સહાય સમયસર પહોંચે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને સંવેદનશીલતા સાથે કામગીરી કરવાની સૂચના આપતાં જણાવ્યું હતું કે નુકસાનના સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી સહાયની ચૂકવણીમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.

બેઠક દરમિયાન નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જિલ્લામાં ચાલી રહેલી રાહત અને પુનઃસ્થાપન કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારના નિયમો અને માર્ગદર્શિકા મુજબ અસરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. કેશડોલ સહાયની ચૂકવણી, આવાસ નુકસાનનો સર્વે, પશુમરણ સહાય, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા અભિયાન તેમજ આરોગ્ય સેવાઓ સતત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી પૂર્વવત બની શકે.

બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની માહિતી રજૂ કરી હતી તેમજ રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે પરસ્પર સંકલન સાથે સતત કાર્યરત રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તથા સ્થાનિક જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે મંત્રીશ્રીએ તમામ વિભાગોને સંકલન સાથે કાર્ય કરી દરેક અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી સહાય પહોંચાડવા અને પુનઃસ્થાપનની કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે માટે તાકીદના નિર્દેશ આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!