
વિજાપુર હિરપુરા બરેજમાં પાણીની આવક વધતા ચાર ગેટ ખોલાયા, 900 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું
નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોના લોકોને તંત્ર દ્વારા એલર્ટ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઉત્તર ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વિજાપુર તાલુકાના હિરપુરા બરેજમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા બરેજના ચાર ગેટ ખોલી 900 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.
પાણી છોડાતા સાબરમતી નદીના પ્રવાહમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના ગામો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતો, પોલીસ અને સંબંધિત વિભાગોને પણ સતત દેખરેખ રાખવા તથા જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં કે કિનારાના જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા, પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ બાળકોને નદી તરફ ન જવા દેવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ હિરપુરા બરેજની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદ અને પાણીની આવકને આધારે જરૂરિયાત મુજબ વધુ પગલાં લેવામાં આવશે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્રએ જણાવ્યું છે, છતાં નદીકાંઠાના ગામોના લોકોને સંપૂર્ણ સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.





