GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમા પુર બાદ રોગચાળા સામે ૨૪ લાખથી વધુ લોકોનું આરોગ્ય સર્વેલન્સ, ૩૨૨ મેડિકલ કેમ્પ દ્વારા ૪,૭૪૧ દર્દીઓને સારવાર

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં પૂરનું પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચેપી રોગચાળો ફેલાય નહીં અને લોકોનું આરોગ્ય સુરક્ષિત રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રોગચાળા નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સ, દવા વિતરણ, ક્લોરીનેશન, આરોગ્ય શિક્ષણ તેમજ મેડિકલ કેમ્પો દ્વારા સતત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

જિલ્લામાં કુલ **૩૫૭ સર્વેલન્સ ટીમો**ના **૧,૭૯૬ સભ્યો** દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘર-ઘર જઈ **ડિઝીઝ સર્વેલન્સ** હાથ ધરવામાં આવી રહ્યું છે. આજદિન સુધીમાં કુલ **૩,૨૪,૮૮૬ લોકોનું આરોગ્ય સર્વેલન્સ** કરવામાં આવ્યું છે. આ દરમિયાન **તાવના ૩૭૯ કેસ**, **ઝાડાના ૧૧૧ કેસ** તેમજ **ILI (ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી)ના ૧,૬૬૧ કેસ** નોંધાયા છે. તમામ દર્દીઓને સમયસર સારવાર તથા જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને શંકાસ્પદ કેસો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

પૂર બાદ પાણીજન્ય રોગોનું જોખમ ઘટાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા **૧,૨૭,૫૮૨ ક્લોરિન ટેબ્લેટનું વિતરણ** કરવામાં આવ્યું છે. ઉપરાંત લોકોને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે **૫,૧૪૪ ઓ.આર.એસ. પેકેટ** તથા લેપ્ટોસ્પાયરોસિસથી બચાવ માટે **૧,૦૧,૯૦૪ ડોક્સીસાયક્લિન કેપ્સ્યુલનું વિતરણ** કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા શુદ્ધ પાણીનો ઉપયોગ, હાથ ધોવાની ટેવ, ખોરાકની સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે પણ સતત જનજાગૃતિ કરવામાં આવી રહી છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સ્થળ પર જ આરોગ્ય સેવા મળી રહે તે માટે **મોબાઇલ હેલ્થ ટીમો** દ્વારા વિશેષ મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં **૨૧ આરબીએસકે (RBSK) ટીમો** અને **૧૧ મોબાઇલ હેલ્થ યુનિટ (MHU) ટીમો**, એમ કુલ **૩૨ ટીમો** દ્વારા અત્યાર સુધીમાં **૩૨૨ મેડિકલ કેમ્પો** યોજવામાં આવ્યા છે. આ કેમ્પોમાં કુલ **૪,૭૪૧ દર્દીઓને ઓપીડી સારવાર**, જરૂરી દવાઓ તેમજ આરોગ્ય સલાહ આપવામાં આવી છે.

જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તાવ, ઝાડા, ઊલટી, શરદી-ખાંસી અથવા અન્ય કોઈ પણ પ્રકારના રોગના લક્ષણો જણાય તો નજીકની સરકારી આરોગ્ય સંસ્થાનો તાત્કાલિક સંપર્ક કરે. આરોગ્ય વિભાગ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખી રોગચાળો અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!