AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા (પંચાયત) માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ગ્રામ્ય માર્ગો પર યુદ્ધના ધોરણે સમારકામ કામગીરી

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

*ડોન હિલ સ્ટેશન જવાના માર્ગ પર મોટા પથ્થરો અને માટી હટાવી વાહનવ્યવહાર ધમધમતો કરાયો

*૧૦ જે.સી.બી., ૮ ટ્રેક્ટર, ડમ્પર, ટ્રોલી તેમજ ૫૫થી વધુ મેનપાવર દ્વારા સતત રાહત અને માર્ગ પુનઃસ્થાપન કામગીરી :*

છેલ્લા કેટલાક દિવસોથી ડાંગ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના વિવિધ ગ્રામ્ય માર્ગો, કોઝવે, પુલો, પાઇપ કલ્વર્ટ તથા સાઇડ ડ્રેનોને નુકસાન પહોંચ્યું હતું. અનેક સ્થળોએ ભૂસ્ખલન, મોટા પથ્થરો, કાદવ અને વૃક્ષોની ડાળીઓ રસ્તા પર આવી જતાં વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો હતો.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, આહવા દ્વારા અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને જરૂરી મશીનરી સાથે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, સેક્શન અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ સાથે સતત સ્થળ પર રહી કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે.

ગત તારીખ ૨૪ જુલાઈનાં રોજ ડોન હિલ સ્ટેશન જવાના મહત્વપૂર્ણ માર્ગ પર ભારે વરસાદના કારણે મોટા પથ્થરો, માટી અને કાટમાળ ધસી આવતાં વાહનવ્યવહાર અવરોધિત બન્યો હતો. માહિતી મળતાની સાથે જ પંચાયત માર્ગ અને મકાન વિભાગની ટીમો તાત્કાલિક મશીનરી સાથે સ્થળ પર પહોંચી હતી. જે.સી.બી. તથા અન્ય સાધનોની મદદથી મોટા પથ્થરો, માટી અને કાટમાળ દૂર કરી થોડા જ સમયમાં માર્ગ સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેથી પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે.

આ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદથી અસરગ્રસ્ત માર્ગો પર પેચવર્ક, વેટ મિક્સ, શોલ્ડર મરામત, સાઇડ ડ્રેન સફાઈ, લેવલિંગ તથા કાટમાળ દૂર કરવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

જિલ્લામાં હાલ ૧૦ જે.સી.બી., ૮ ટ્રેક્ટર, ડમ્પર, ટ્રોલી, રોલર, ટ્રી કટર સહિતની મશીનરી અને ૫૫થી વધુ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ તથા શ્રમિકો સતત મેદાનમાં રહીને કામગીરી કરી રહ્યા છે. ભારે વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ અધિકારીઓ દ્વારા સ્થળ પર રહી સતત દેખરેખ રાખી ત્વરિત નિર્ણય લેવામાં આવતા માર્ગો ઝડપથી પૂર્વવત થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ ઝડપી કામગીરી ગ્રામ્ય જનજીવનને ફરી ગતિ આપવાનો, પ્રવાસનને સુગમ બનાવવાનો તથા નાગરિકોને સુરક્ષિત અને સરળ અવરજવર ઉપલબ્ધ કરાવવાનો એક સરાહનીય છે.

Back to top button
error: Content is protected !!