
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ – ખેરગામ
ખેરગામ તાલુકાના વેણ ફળિયા ખાતે રહેતા ડૉ. પંકજકુમાર શંકરભાઈ પટેલે આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને રિવાજોને જાળવી રાખવા માટે એક સરાહનીય પહેલ કરી છે. પોતાના માતૃશ્રી સ્વ. કુસુમબેન શંકરભાઈ પટેલના અવસાન બાદ સમાજમાં પ્રચલિત પરંપરા મુજબ સાતમે દિવસે તુલસી પૂજાની વિધિ યોજવાનો નિર્ણય લઈ સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.ડૉ. પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આપણા આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કાર આપણી અમૂલ્ય ધરોહર છે. નવી પેઢી સુધી આ પરંપરાઓ જીવંત રહે તે માટે આપણે સૌએ તેને જાળવી રાખવાની જવાબદારી નિભાવવી જોઈએ. તેથી મેં મારા માતૃશ્રીના અવસાન બાદ સાતમે દિવસે તુલસી પૂજાની વિધિ રાખવાનો નિર્ણય કર્યો છે.”તેમની આ પહેલ સમાજમાં પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો સકારાત્મક પ્રયાસ માનવામાં આવી રહી છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આવી પહેલોથી નવી પેઢી પોતાની સંસ્કૃતિ અને રિવાજો સાથે વધુ જોડાશે તેમજ પરંપરાનું સંવર્ધન થશે.



