Rajkot: ૨૮ જુલાઈ ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ : ‘મિશન લાઈફ’ સાથે પ્રકૃતિ જતન-સંવર્ધનમાં ગુજરાત રાજ્ય અગ્રેસર

તા.૨૭/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
‘સુજલામ સુફલામ’ યોજના થકી રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં આ વર્ષે ૨૦,૭૮૯ લાખ ઘનફૂટનો વધારો
‘એક પેડ માઁ કે નામ ૨.૦’ અભિયાન હેઠળ રાજ્યમાં ૧૬.૯૬ લાખ વૃક્ષોનું વાવેતર
Rajkot: માણસનું તંદુરસ્ત જીવન માત્ર પૌષ્ટિક ખોરાક કે નિયમિત કસરત પર નિર્ભર નથી; તેના માટે આસપાસની ‘પ્રકૃતિનું સ્વાસ્થ્ય’ પણ એટલું જ અનિવાર્ય છે. આ પૃથ્વી પર સમગ્ર જીવસૃષ્ટિને ટકાવી રાખતા કુદરતી સંસાધનો — જેવા કે સ્વચ્છ પાણી, ફળદ્રુપ જમીન, જંગલો અને વિવિધ વનસ્પતિ તથા પ્રાણીઓની જૈવવિવિધતાના રક્ષણના હેતુથી દર વર્ષે ૨૮ જુલાઈના રોજ ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ ઉજવવામાં આવે છે.
વર્તમાન સમયમાં વિશ્વની વધતી વસ્તી અને પ્રાકૃતિક સ્રોતોના અવિચારી વપરાશને કારણે કુદરતી સંસાધનો સામે મોટું સંકટ ખડું થયું છે. ‘ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર’ સંસ્થા દ્વારા ‘રેડ લિસ્ટ’ માટે વિશ્વભરની ૧,૭૫,૯૦૦થી વધુ પ્રજાતિઓનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જેમાં સામે આવ્યું છે કે, ૪૯,૫૦૦થી વધુ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓ હાલ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. ઉપરાંત, મોસમી સ્થળાંતર કરતી પ્રજાતિઓમાંથી લગભગ અડધોઅડધ પ્રજાતિઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં આઈ.યુ.સી.એન.દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં વૈશ્વિક સ્તરે ૨,૬૦,૦૦૦ પ્રજાતિઓનું નવું મૂલ્યાંકન તેમજ ૧,૪૨,૦૦૦ પ્રજાતિઓનું પુનઃમૂલ્યાંકન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
બીજી તરફ, પૃથ્વીના ફેફસાં ગણાતા જંગલો પણ ઓછા થઈ રહ્યા છે. પર્યાવરણીય સંશોધન કરતી સંસ્થા ‘વર્લ્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટ્યૂટ’ દ્વારા એપ્રિલ ૨૦૨૬માં એક અહેવાલ જારી કરાયો હતો. જેમાં જણાવાયું હતું કે, વર્ષ ૨૦૨૫માં વિશ્વએ અંદાજે ૪૩ લાખ હેક્ટર જેટલા ઉષ્ણકટિબંધીય વર્ષાવનો ગુમાવ્યા છે. દાવાનળ અને કૃષિ વિસ્તરણ જેવા પરિબળોને કારણે મોટા પ્રમાણમાં જંગલો નાશ પામી રહ્યા છે. આ સાથે હવામાન પરિવર્તનને કારણે વારંવાર આવતા પૂર, દુષ્કાળ અને આગ જેવી ઘટનાઓ કુદરતી આવાસોને વધુ નુકસાન પહોંચાડી રહી છે. પર્યાવરણને થઈ રહેલું આ નુકસાન માત્ર કાગળ પરના આંકડા નથી, પરંતુ તેની સીધી અસર આપણા જીવન પર પડે છે.
નોંધનીય છે કે, હવામાન પરિવર્તન અને પર્યાવરણીય પડકારો સામે લડવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨માં એકતા નગર (કેવડિયા) ખાતેથી ૨૦૨૨માં ‘મિશન લાઈફ’ (Mission LiFE – Lifestyle for Environment)નો વૈશ્વિક પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિના જતન અને પર્યાવરણની સુરક્ષા માટે વ્યક્તિગત અને સામાજિક સ્તરે સકારાત્મક બદલાવ લાવવાનો છે.
મિશન લાઈફ અંતર્ગત દૈનિક જીવનમાં અપનાવી શકાય તેવા સાત મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે:
૧. ઊર્જાની બચત: વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને પુનઃપ્રાપ્ય ઊર્જાનો આગ્રહ.
૨. પાણીની બચત: જળ સંચય, ટપક સિંચાઈ અને પાણીનો બગાડ અટકાવવો.
૩. સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ત્યાગ: પ્લાસ્ટિકની થેલીઓ અને નિકાલજોગ વસ્તુઓને બદલે પુનઃવપરાશ થઈ શકે તેવી વસ્તુઓ વાપરવી.
૪. સૂચિત કચરા વ્યવસ્થાપન: સ્થાનિક અને ઓર્ગેનિક ખોરાકનો ઉપયોગ કરવો તથા અનાજનો બગાડ અટકાવવો.
૫. ઈ-વેસ્ટ અને કચરા ઘટાડો: વસ્તુઓનો રી-યુઝ અને રી-સાયકલ કરવાનો અભિગમ.
૬. ટકાઉ જીવનશૈલી: સાયકલિંગ, જાહેર પરિવહનનો ઉપયોગ અને પ્રકૃતિને અનુકૂળ જીવનશૈલી.
૭. કચરા નિકાલ અંગે જાગૃતિ: કચરાનું યોગ્ય વર્ગીકરણ (ભીનો અને સૂકો કચરો અલગ કરવો).
મિશન લાઈફ ‘Reduce, Reuse, Recycle’ (૩-Rs)ના સિદ્ધાંત પર આધારિત છે. તે સંસાધનોના પુનઃવપરાશ પર ભાર મુકે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. આ સાથે ‘મિશન લાઈફ’ને જનઆંદોલન બનાવીને નોંધપાત્ર અને અગ્રેસર કામગીરી કરવામાં આવી રહી છે.
પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રાધાન્ય આપતાં ગુજરાત રાજ્ય પી.એમ. સૂર્યઘર વીજળી યોજનામાં દેશભરમાં પ્રથમ ક્રમે છે અને આ યોજના હેઠળ ઉત્તમ પ્રદર્શન કરીને પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે. ‘કેચ ધ રેઈન ૨.૦’ને જન આંદોલન બનાવીને રાજ્યમાં જળસંચય માટે ૨.૨૦ લાખ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવ્યા છે. ૩૩ જિલ્લાઓમાં ૨૭૦૩ અમૃત સરોવરોના કામ પૂર્ણ થયા છે અને ભૂગર્ભ જળમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્તમાન વર્ષમાં સુજલામ સુફલામ યોજનામાં થયેલા વિવિધ કામોનાં કારણે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં ૨૦,૭૮૯ લાખ ઘનફૂટનો વધારો થયો છે.
એક પેડ માઁ કે નામ ૨.૦ અભિયાન હેઠળ રાજ્યમાં ૧૬.૯૬ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે, ૮૨ નમો વડવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીને રાજ્યમાં આઠ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન સાથે જોડવામાં આવ્યા છે. રાજ્યમાં ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રિક વાહનો (EVs)ની ખરીદી પર સબસીડી અને ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્કનો ઝડપી વિકાસ કરવામાં આવી રહ્યો છે. જાહેર પરિવહન સેવાઓમાં પણ ઈ-બસીસનો ઉપયોગ થવા લાગ્યો છે.
મિશન લાઈફ એ માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ એક જનઆંદોલન છે. જો દરેક વ્યક્તિ પોતાની દૈનિક ટેવોમાં નાનો પર્યાવરણલક્ષી ફેરફાર લાવે, તો આપણી આવનારી પેઢી માટે એક સ્વચ્છ, સુંદર અને ટકાઉ પૃથ્વીનું નિર્માણ થઈ શકે છે.




