
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
રતાડીયામાં વીજતંત્રની ઘોર બેદરકારી: કોન્ટ્રાક્ટરના ભરોસે તંત્ર, કાયમી કર્મચારીઓ ગાયબ અને ચાતુર્માસના પ્રારંભે જ ગૌ-હત્યા!?!
રજાના દિવસે પણ પ્રાંત અધિકારીશ્રીના આદેશથી નવો પોલ ઊભો કરાયો, પણ લાઇન સ્ટાફ ફરક્યો જ નહીં!
કંપનીઓની મલાઈ ખાઈને મસ્ત બનેલા ‘આંખલાઓ’ ધરાશે ક્યારે? ગૌમાતા દૂધ આપશે તો જ મલાઈ બનશે ને !?!
ગત વર્ષે પણ ૨ ગાયોના મોત થયા હતા: વારંવારની રજૂઆતો છતાં વીજતંત્રના જવાબદાર કર્મચારી સામે પગલાં કેમ લેવાતા નથી ?
રતાડીયા (કચ્છ), તા. ૨૮:
મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામે ખાનગી જર્જરીત દીવાલ પર ભાડું આપ્યા વગર છેલ્લા ૨૦ વર્ષથી ઊભા કરાયેલા ગેરકાયદેસર લોખંડના પાઇપ અને તેના પર વીજ વાયરોના ગૂંચળાંના કારણે ચોમાસાના પ્રારંભે અને પવિત્ર ચાતુર્માસના પ્રથમ દિવસે જ એક નિર્દોષ ગાયનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે.
પ્રાંત અધિકારીશ્રીની સંવેદનશીલતા, પણ વીજ તંત્રનું મરણોત્તર વલણ:
શનિવારે વહેલી સવારે આ જોખમી વાયરો અંગે મુન્દ્રા-માંડવીના પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેક્ટર)ને રજૂઆત કરવામાં આવતા તેમણે રજાના દિવસે પણ પ્રજાની ચિંતા કરી તાત્કાલિક સૂચના આપી હતી. જેના પગલે કોન્ટ્રાક્ટરની ટીમે આવીને સોમવારે સવારે નવો સિમેન્ટનો થાંભલો (આરસીસી પોલ) તો ઊભો કરી દીધો છે, પરંતુ વીજ કંપનીનો મોટા પગાર મેળવતો કાયમી લાઇન સ્ટાફ (લાઇનમેન/હેલ્પર) પૂછપરછ કરવા કે સ્થળ તપાસ કરવા પણ ફરક્યો નથી. નવો પોલ ઊભો થયા પછી પણ તેના પર જૂના જોખમી વાયરો શિફ્ટ કરવાની અને ખુલ્લા વાયરો બદલવાની મૂળ કામગીરી હજુ પણ અધ્ધરતાલ છે.
જવાબદાર કર્મચારીઓ સામે કોઈ પગલાં નહીં:
રતાડીયા વિસ્તારમાં ફરજ બજાવતા સ્થાનિક લાઇન સ્ટાફના કાર્યકાળ દરમિયાન ગત વર્ષે પણ ચોમાસામાં ૨ ગાયોના કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યા હતા. છતાં આ કર્મચારીઓ સામે કોઈ જ શિસ્તબદ્ધ પગલાં લેવાયા નથી. આટલી ગંભીર ઘટના બનવા છતાં લાઇન સ્ટાફના ફોન સ્વીચ ઓફ આવે છે અને આજના આધુનિક યુગમાં પણ સ્માર્ટફોન કે વોટ્સએપ જેવી સુવિધા ન રાખીને સંપર્કવિહોણા થઈ જતા આવા કર્મચારીઓ ઉપર પગલાં લેવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.
ગૌમાતા હશે તો જ દૂધ અને મલાઈ મળશે ને!?!
મુન્દ્રા વિસ્તારના ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાઇવેટ ઔદ્યોગિક કંપનીઓમાં મલાઈ વાળી ચા પીને મસ્ત બનેલા વીજ તંત્રના આવા કર્મચારીઓ (આંખલા/પાડાઓ)ને યાદ રાખવું જોઈએ કે ગૌમાતા જીવંત હશે તો જ દૂધ મળશે અને તો જ મલાઈ વાળી ચા નસીબ થશે! નિર્દોષ પશુઓનો ભોગ લેવાયા પછી પણ તંત્રના પેટનું પાણી હલતું નથી એ કરુણતા છે.
એક તરફ કચ્છ કલેક્ટર કચેરી દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપનની મોટી મોટી પબ્લિસિટી કરવામાં આવે છે ત્યારે મુન્દ્રા તાલુકામાં વીજતંત્રનું આંતરિક સંકલન કેટલું કાગળ પર છે તે આ ઘટનાથી સાબિત થાય છે. જો તાત્કાલિક ધોરણે આ ખુલ્લા વાયરો નવા થાંભલા પર શિફ્ટ કરી સુરક્ષિત કરવામાં નહીં આવે અને બેદરકાર કર્મચારીઓ સામે પગલાં નહીં લેવાય તો નાછૂટકે ઉચ્ચ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવશે.
સર્વે અને જનજાગૃતિ કાર્યક્રમની ઉઠતી માંગ:
અત્રે એ પણ નોંધનીય છે કે સ્થાનિક જાગૃત કર્મચારી/નાગરિક દ્વારા સતત રજૂઆતો કર્યા બાદ આ એક ચોક્કસ જગ્યાની માંગણી સંતોષવામાં આવી છે પરંતુ હજુ પણ ગામમાં અને આસપાસના વિસ્તારોમાં આવા અકસ્માત સર્જી શકે તેવા અનેક જોખમી થાંભલાઓ હયાત છે. જો વીજ કંપની દ્વારા સમગ્ર ગામનો સર્વે હાથ ધરીને આવા તમામ જોખમી પોલ હટાવવામાં આવે તો જ ભવિષ્યમાં સંભવિત પશુ કે માનવ મૃત્યુ (હત્યા) અટકાવવામાં આપણને પૂર્ણ સફળતા મળશે. આ ઉપરાંત પીજીવીસીએલ દ્વારા રાજ્યના અન્ય તાલુકાઓમાં ચોમાસા દરમિયાન ‘સંભવિત અકસ્માત ઝોન’ પ્રમાણિત કરી જનજાગૃતિના કાર્યક્રમો યોજી લોકોને વીજ અકસ્માતથી બચવાની માહિતી આપવામાં આવે છે તેવા જ પ્રકારના સઘન જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન ઔદ્યોગિક રીતે સંવેદનશીલ એવા મુન્દ્રા તાલુકામાં પણ તાત્કાલિક કરવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઊઠી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




