
રિપોર્ટ : યશ માંકડ, પ્રતીક જોષી
તા. ૨૮-૦૭-૨૦૨૬
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ગુજરાત પ્રદેશ દ્વારા પત્રકારોના હક્ક, અધિકાર અને સુરક્ષા કાનૂનને વધુ ધારદાર બનાવવા માટે તા. ૨૮ જુલાઈના રોજ રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક પત્રકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું . દેશભરમાંથી ઉપસ્થિત થનારા પત્રકાર શિરોમણીઓ વચ્ચે કચ્છી પત્રકારત્વનો મજબૂત અવાજ બનીને ઉભરી આવેલા કચ્છ જિલ્લા પ્રમુખ બિમલભાઈ માંકડને આ રાષ્ટ્રીય મહાકુંભ માટે વિશેષ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું , જે સમગ્ર સીમાંત પ્રદેશ માટે ગૌરવની ક્ષણ હતી.
અન્યાય સામે અડીખમ લડત અને ન્યાયનો કટિબદ્ધ સંકલ્પ લઇ હવે બીમલભાઈ મેદાને ઉતર્યા છે ત્યારે પત્રકારો પર થતા અત્યાચારો અને અન્યાય સામે સદા વજ્રસમાન ઢાલ બનીને ઊભા રહેનારા યોદ્ધા સમાં સાબિત થયા છે, ખાસ આમંત્રણ ઝીલીને તેમણે શંખનાદ કર્યો છે કે, “પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને તેના પર થતો પ્રહાર એ લોકશાહીના આત્મા પરનો પ્રહાર છે.” કચ્છના વિશાળ ક્ષેત્રફળમાં વિખરાયેલા પત્રકારમિત્રોને એકસૂત્રે બાંધી, ચોથી એસ્ટેટના સભ્યો સાથે થતા કોઈ પણ પ્રકારના અનાચાર કે શોષણ સામે આરપારની લડાઈ લડીને ન્યાય અપાવવા તેઓ કટિબદ્ધ બન્યા છે.
તાલુકા મથકો સુધી સંગઠનનું વ્યાપક વિસ્તરણ: વિરાટ એકતાનો વ્યુહ જેમાં કચ્છના ખૂણે-ખૂણે અને છેવાડાના ગામડાઓ સુધી કલમચલાવતા પત્રકારોને સાચું છત્ર પૂરું પાડવાના ઉદ્દેશ્યથી બિમલભાઈએ એક વિરાટ કાર્યયોજના જાહેર કરી છે. તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, કચ્છના પ્રત્યેક તાલુકા મથકે સક્રિય, સમર્પિત અને સંગઠિત કમિટીઓની રચના કરવામાં આવશે. પત્રકારોના આત્મસન્માન અને સુરક્ષા માટે એક અબિહદ અને મજબૂત સંગઠનાત્મક માળખું ઊભું કરીને, દરેક પત્રકારના સુખ-દુઃખ અને લડતમાં ABPSS કદમથી કદમ મિલાવીને આગળ વધશે.
ABPSS ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુરદાનજી ગઢવી, જિગ્નેશભાઈ કાલાવડિયા તેમજ ધવલભાઈ માકડીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ મહાસંમેલનમાં બિમલભાઈ માંકડની સક્રિયતા અને સંગઠન પ્રત્યેની અવિચળ નિષ્ઠાને પ્રદેશ નેતૃત્વ દ્વારા મુક્તકંઠે બિરદાવવામાં આવી છે. કચ્છ જેવા વિષમ ભૌગોલિક વિસ્તારમાં પત્રકાર એકતાની જ્યોત પ્રજ્વલિત રાખવાની તેમની ક્ષમતા, તીક્ષ્ણ નેતૃત્વ અને ધારદાર કામગીરી આજના સંઘર્ષમય સમયમાં પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે.
“પત્રકાર સુરક્ષા કાનૂન… અમારો અધિકાર” ના બુલંદ નારા સાથે ગાંધીનગર ખાતે રચાનારા આ ઐતિહાસિક ઈતિહાસના સાક્ષી બનવા અને કચ્છી પત્રકારત્વની એકતાની તાકાત દર્શાવવા બિમલભાઈ માંકડ સાથે રામજીભાઈ વરચંદ, મહેબુબભાઇ કુંભાર, શ્યામ જોગી,અસલમ શા સૈયદ, ઇરફાનભાઈ હાલેપોત્રા, ધીરજભાઈ સિજુ,હુશેનભાઈ નોતીયાર, ભૂરાભાઇ સમાં, મહંમદ રફીકભાઈ તુર્ક,રણજીતસિંહ જાડેજા અને આસિફ સુમરા સહિત ના પત્રકારો સમર્થન આપીને સાથે જોડાયા હતા,ત્યારે કચ્છમાં સત્યને પડકારનારાઓ ને બીમલભાઈની ગર્જના છેક ગાંધીનગર થી સંભળાઈ હતી.



