GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા-શહેરા રૂટ પરથી મળેલું કિંમતી કાગળો અને રોકડ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત સોંપાયું

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

ગોધરાથી શહેરા રૂટ પર દોડતી એસ.ટી. બસના કંડક્ટર વિજયભાઈ ચૌહાણની પ્રામાણિકતા અને સર્વિસ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. બસની મુસાફરી દરમિયાન શહેરા તાલુકાના નાથુજીના મુવાડા નજીકથી એક મુસાફરનું રોકડ રકમ અને અગત્યના દસ્તાવેજો ભરેલું પાકીટ ગુમ થઈ ગયું હતું, જે બસ કંડક્ટરને મળી આવ્યું હતું.

 

કંડક્ટર વિજયભાઈ ચૌહાણે આ પાકીટ પોતાની પાસે સુરક્ષિત રાખીને ત્વરિત શહેરા એસ.ટી. કંટ્રોલ પોઈન્ટ ખાતે પહોંચાડી જમા કરાવ્યું હતું. ત્યારબાદ શહેરા એસ.ટી. કંટ્રોલરૂમ ખાતે ફરજ પરના કર્મચારી કનકસિંહ પુવાર દ્વારા જરૂરી તપાસ અને ખરાઈ કરવામાં આવી હતી. યોગ્ય ચકાસણી બાદ આ પાકીટ તેના મૂળ માલિક અણીયાદ ગામના રહીશ વિરેન્દ્રસિંહ અજમલભાઈ રાઠોડનું હોવાનું માલૂમ પડ્યું હતું.

 

તમામ કાગળો અને રોકડ રકમની સંપૂર્ણ ખરાઈ કરીને કંટ્રોલરૂમ ખાતેથી વિરેન્દ્રસિંહ રાઠોડને તેમનું પાકીટ હેમખેમ પરત સોંપવામાં આવ્યું હતું. પોતાની ગુમ થયેલી કિંમતી ચીજવસ્તુઓ અને મહત્વના ડોક્યુમેન્ટ્સ સુરક્ષિત પરત મળતા મૂળ માલિકે એસ.ટી. નિગમ, કંડક્ટર વિજયભાઈ ચૌહાણ તથા કંટ્રોલરૂમના કનકસિંહ પુવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

 

Back to top button
error: Content is protected !!