INTERNATIONAL

જાપાનના ક્યુશુ દ્વિપ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો

જાપાનના ક્યુશુ દ્વિપ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ કુમામોટો વિસ્તારમાં આવ્યો હતો, જેના પગલે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાન હવામાન વિભાગ (JMA) અનુસાર, ભૂકંપ બાદ એક મીટર સુધી ઊંચા મોજાં આવવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂર પડે તો તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. દરમિયાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં કિંગહાઈમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

જાપાન સરકારે કુમામોતો ઉપરાંત નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી પ્રીફેક્ચર્સ માટે ભૂકંપ અંગેની કટોકટીની ચેતવણીઓ જારી કરી છે. આ તમામ વિસ્તારો ક્યુશુ દ્વિપ પર આવેલા છે. આ માહિતી સમાચાર સંસ્થા રોઇટર્સ દ્વારા આપવામાં આવી હતી.

રાહતની વાત એ છે કે, અત્યાર સુધી જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. સ્થાનિક વહીવટીતંત્ર ભૂકંપની અસરોનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને સાથે જ સુનામીના જોખમ પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટેની ટીમો એલર્ટ પર છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

જાપાન વિશ્વના એવા દેશોમાંનું એક છે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધુ હોય છે. આ કારણોસર, તેની ભૂકંપ અને સુનામી ચેતવણી પ્રણાલીને વિશ્વની શ્રેષ્ઠ પ્રણાલીઓમાંની એક માનવામાં આવે છે. આ સિસ્ટમ સેકન્ડોમાં લોકોને ચેતવણીઓ મોકલે છે, જેનાથી જાન-માલનું નુકસાન ઘટાડવામાં મદદ મળે છે. હાલમાં ક્યુશુ ટાપુના રહેવાસીઓને સતર્ક રહેવાની અને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થવાની અપેક્ષા છે.

જાપાનના વડાપ્રધાન કાર્યાલયે કુમામોતો પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ, તમામ સંબંધિત એજન્સીઓને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે, ભૂકંપને કારણે થયેલા નુકસાનનો શક્ય તેટલી ઝડપથી આકલન મેળવવો એ પ્રાથમિકતા છે.

આ ઉપરાંત, સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી રાહત અને બચાવ કામગીરીને વધુ સઘન બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ નિર્દેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માનવ જીવનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા તથા જીવ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવા જોઈએ.

Back to top button
error: Content is protected !!