
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ચોમાસાની ખેતી વચ્ચે મોટું નુકસાન; ગ્રામજનોમાં ભારે રોષ, ખેડૂતને તાત્કાલિક વળતર અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ
ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ગારખડી ગામે આવેલી પ્રાથમિક શાળા (બરડા વર્ગ શાળા) ખાતે તંત્ર અને શાળા પ્રશાસનની ગંભીર બેદરકારીના કારણે એક ગરીબ ખેડૂતનો કિંમતી કમાઉ બળદ વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ચોમાસાની ખેતીની વ્યસ્ત સિઝનમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે.
મળતી માહિતી મુજબ, શાળામાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન મોટરનો ઇલેક્ટ્રિક વાયર યોગ્ય સુરક્ષા વિના જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. તારીખ 22 જુલાઈ, 2026ના રોજ ગારખડી ગામના ખેડૂત સોમનાથભાઈ કાશીરામભાઈ દેશમુખનો બળદ શાળા નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જમીનમાં દાટેલા વીજ વાયરના સંપર્કમાં આવતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. પરિણામે બળદનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ખેતીના મુખ્ય આધાર સમાન બળદના મૃત્યુથી ખેડૂત પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે. ઘટનાની જાણ વીજ કંપની (GEB)ને કરવામાં આવતાં અધિકારીઓએ આ વાયર શાળા દ્વારા નાખવામાં આવ્યો હોવાનું કહી જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ શાળા પ્રશાસને પણ પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે હાથ ઊંચા કરી દીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ઘટનાને અનેક દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી ખેડૂતને કોઈ વળતર આપવામાં આવ્યું નથી કે જવાબદારો સામે કોઈ સત્તાવાર કાર્યવાહી હાથ ધરાઈ નથી. આ મુદ્દે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગરીબ ખેડૂતને તાત્કાલિક યોગ્ય આર્થિક વળતર, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ તેમજ બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.





