AHAVADANGGUJARAT

નવસારી જિલ્લાના પૂરગ્રસ્તોની સેવામાં ભાજપ અવિરત: 8 હજારથી વધુ રાશન કિટનું વિતરણ, વધુ 14 હજાર કિટ તૈયાર થશે

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

‘સેવા જ સંગઠન’ના મંત્ર સાથે ભાજપના કાર્યકરો ખડેપગે; સામૂહિક રસોડાંથી લઈને રાશન કિટ વિતરણ સુધી સતત માનવસેવા

નવસારી: નવસારી જિલ્લામાં આવેલા વિનાશક પૂરના કારણે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યાપક સેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે જણાવ્યું હતું કે, પૂરની શરૂઆતથી જ ભાજપના કાર્યકરો અને સ્વયંસેવકો સતત મેદાનમાં રહી જરૂરિયાતમંદ પરિવારો સુધી ભોજન, પીવાનું પાણી અને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી રહ્યા છે.

પૂરની ગંભીર પરિસ્થિતિ દરમિયાન ચીખલી, અમલસાડ અને નવસારી ખાતે સામૂહિક રસોડાં શરૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી હજારો લોકોને સમયસર ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. અનેક ગામો અને વસાહતોમાં ભાજપના કાર્યકરો દ્વારા સતત સેવા કાર્ય કરવામાં આવ્યું હતું.

પૂરનું પાણી ઓસર્યા બાદ પણ રાહત કામગીરી યથાવત રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 8 હજારથી વધુ રાશન કિટો તૈયાર કરી અસરગ્રસ્ત પરિવારોને પહોંચાડવામાં આવી છે, જ્યારે આગામી દિવસોમાં વધુ 14 હજાર રાશન કિટો તૈયાર કરીને જિલ્લાના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર સેવા અભિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના સૂચન તેમજ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, આર.સી. પટેલ, મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત જિલ્લાના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, મહિલા મોરચા, કાર્યકરો અને સ્વયંસેવકોના સંકલનથી રાહત કામગીરીને વેગ મળ્યો છે.

ભૂરાભાઈ શાહે જણાવ્યું હતું કે, ભાજપ માટે સેવા માત્ર કાર્યક્રમ નહીં પરંતુ સંસ્કાર છે. પૂરગ્રસ્ત પરિવારો સંપૂર્ણપણે સામાન્ય જીવન તરફ પરત ફરે ત્યાં સુધી સેવા કાર્ય અવિરત ચાલુ રહેશે. ખાસ કરીને મહિલા મોરચા અને કાર્યકરોએ કપરા સમયમાં ખડેપગે રહી રાશન કિટ તૈયાર કરી અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

Back to top button
error: Content is protected !!