AHAVADANGGUJARAT

ડાંગથી ગુંજ્યો ગૌસન્માનનો અવાજ: ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’જાહેર કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીને આવેદન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની પ્રબળ માંગ સાથે વિશાળ જનજાગૃતિ અને રજૂઆત કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ભારતના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સંત શિરોમણી પી.પી. સ્વામીજી, પૂજ્ય સાધ્વી હેતલ દીદી, સાધ્વી યશોદા દીદી સહિત સમગ્ર ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં ગૌભક્તો, ગૌપ્રેમીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે તા. 7 મે, 2026ના રોજ ગુજરાતના તમામ તાલુકાઓમાંથી ગૌસન્માન અભિયાન અંતર્ગત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તે અંગે કોઈ અસરકારક વહીવટી કાર્યવાહી થઈ નથી. તેથી અગાઉની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં ભરવાની ફરી એકવાર આગ્રહભરી માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં વેદલક્ષણ સ્વદેશી ગાયોના સંરક્ષણ માટે વિશેષ કાયદાકીય વ્યવસ્થા, ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવા તેમજ ગાય આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન મળે તે માટે યોગ્ય નીતિગત નિર્ણયો લેવાની અપીલ કરવામાં આવી છે.

ગૌસન્માન અભિયાનને વ્યાપક જનસમર્થન મળ્યાનો દાવો કરતાં આયોજકોએ જણાવ્યું કે 15 હજારથી વધુ ગૌભક્તોના હસ્તાક્ષર ધરાવતા કુલ 559 પાનાંના સમર્થન દસ્તાવેજો સરકારને સોંપવામાં આવ્યા છે. પર્યાવરણ સંરક્ષણ અને કાગળ બચાવવાના હેતુથી તમામ દસ્તાવેજોની સોફ્ટ કોપી પેન ડ્રાઇવમાં પણ આપવામાં આવી છે, જ્યારે જરૂર પડ્યે મૂળ હાર્ડ કોપી રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

અંતમાં ગૌપ્રેમીઓએ આશા વ્યક્ત કરી હતી કે સરકાર ગૌમાતાના સન્માન, સંરક્ષણ અને સંવર્ધનના મુદ્દે સંવેદનશીલતા દાખવી વહેલી તકે યોગ્ય નિર્ણય લેશે અને દેશભરના ગૌભક્તોની લાગણીઓને માન આપશે.

Back to top button
error: Content is protected !!