
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
વિશ્વ હિપેટાઇટિસ દિવસ: મુંદરાની કોલેજમાં એઇડ્સ અને હિપેટાઇટિસ અંગે વૈજ્ઞાનિક અને તાર્કિક ચર્ચા યોજાઈ
૦૦૦
એક ટકો સંભાવના પણ જોખમ મોટું : ‘લોટરી’ના ઉદાહરણ દ્વારા હેલ્થ સુપરવાઇઝરએ અસુરક્ષિત સંબંધો સામે યુવાધનને ચેતવ્યા
૦૦૦
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નેશનલ એઇડ્સ કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત “રેડ રીબન ક્લબ” ની રચના કરવામાં આવી
મુંદરા, તા.૨૮ : વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે ચાલુ વર્ષના સૂત્ર ‘હિપેટાઈસ : લેટ્સ બ્રેક ઈટ ડાઉન’ અંતર્ગત મુંદરાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડો. દીપકભાઈ ખરાડીની અધ્યક્ષતામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા હેલ્થ ઓફિસ અને કચ્છ દિશા હેલ્થ યુનિટના કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું.
લોહી અને શરીરના પ્રવાહી (બોડી ફ્લુઇડ્સ) દ્વારા ફેલાતા હિપેટાઇટિસ અને એઇડ્સ (એચઆઈવી) જેવા ગંભીર અસાધ્ય રોગો અંગે સમાજમાં પ્રવર્તતી ગેરસમજો અને સામાજિક કલંક દુર કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વૈજ્ઞાનિક અને તાર્કિક દ્રષ્ટિકોણથી સઘન ચર્ચા સાથે વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ ક્રમાંકે વિજેતા થનાર અનુક્રમે રેખાબેન સોધમ, કાના ગઢવી અને ધ્રુવીબેન વાણીયાને ટ્રોફી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં હેલ્થ સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કરએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે “હિપેટાઇટિસ અને એઇડ્સના સંક્રમણ ફેલાવાની વૈજ્ઞાનિક પ્રક્રિયાને સમજવી ખૂબ જ જરૂરી છે. તબીબી વિજ્ઞાન મુજબ સંક્રમિત લોહી ટ્રાન્સફ્યુઝન કે સંક્રમિત માતા દ્વારા બાળકમાં વાયરસ ફેલાવાની શક્યતા ૯૯% જેટલી ઊંચી હોય છે પરંતુ આજના આધુનિક યુગમાં સખત તબીબી તપાસ અને પ્રોટોકોલને કારણે આવા બનાવો હવે નહિવત બન્યા છે. બીજી તરફ અસુરક્ષિત જાતીય સંબંધ દ્વારા સંક્રમણ ફેલાવાની સંભાવના પ્રતિ બનાવ ભલે માત્ર ૧% જેટલી ઓછી જણાતી હોય પરંતુ સમાજમાં આવા અસુરક્ષિત બનાવોની ઊંચી દરરોજની કરોડોની સંખ્યા અને ૧૦ થી ૧૫ વર્ષ સુધી રોગના લક્ષણો ન દેખાવાની લાક્ષણિકતાને કારણે જ સમાજમાં ૯૦% થી વધુ કેસો આ જ કારણે નોંધાય છે.”
વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજાવતા તેમણે ‘લોટરી’નું ઉદાહરણ આપતાં ઉમેર્યું હતું કે “આ ૧% સંભાવના એ અજાણી ‘લોટરી’ સમાન છે. ૧૦૦ માંથી એ કયો નંબર હશે જે ચેપ ફેલાવશે તે કોઈ જાણી શકતું નથી—એ પ્રથમ, પચાસમું કે સોમું સંપર્ક પણ હોઈ શકે! આથી ‘માત્ર એક જ ટકો શક્યતા છે’ તેવું વિચારીને જોખમ લેવું એ જીવન સાથેનો મોટો જુગાર સાબિત થઇ શકે છે. અસુરક્ષિત સંબંધોથી સંપૂર્ણ દૂર રહેવું અને સુરક્ષા અપનાવવી એ જ એકમાત્ર ડહાપણભર્યો અને રક્ષણાત્મક માર્ગ છે.”
આ ઉપરાંત તેમણે સમાજમાં પોઝિટિવ દર્દીઓ પ્રત્યે રખાતી શંકાસ્પદ દ્રષ્ટિ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એઇડ્સ કે હિપેટાઇટિસ એ માત્ર એક વાયરલ ઈન્ફેક્શન છે કોઈ નૈતિક ભૂલ કે પાપનું પરિણામ નથી. કેટલાક અજ્ઞાત અને અણદેખ્યા કારણોસર પણ આ રોગ ફેલાઈ શકે છે.
ભય અને સામાજિક બહિષ્કારના ડરથી લોકો ટેસ્ટિંગ કરાવતા અટકે છે જે રોગના ફેલાવા માટે વધુ જવાબદાર બને છે. સમાજે શંકાની જગ્યાએ સાચી જાગૃતિ અને સહાનુભૂતિ અપનાવવી જરૂરી છે.
કાર્યક્રમમાં એડોલેશન હેલ્થ કાઉન્સિલર મહેન્દ્રભાઈ વાઘેલા દ્વારા કિશોર અવસ્થામાં આવતા ફેરફારો તેમજ સ્વસ્થ જીવન વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. તથા અન્ય વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને હિપેટાઇટિસના વિવિધ પ્રકારો, તેના ફેલાવાના માર્ગો, નિવારણના ઉપાયો, હિપેટાઇટિસ-બી રસીનું મહત્ત્વ, સલામત જીવનશૈલી તથા સમયસર નિદાન અને સારવાર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ બાદ ૧૬૦ વિદ્યાર્થીઓમાંથી ૧૬ લાભાર્થીનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ સ્વૈચ્છાએ કરવામાં આવ્યું હતું. રેડ રિબન ક્લબમાં ૭૮ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાની સાથે ક્લબના સંચાલન માટે સ્વૈચ્છિક રીતે તૈયાર થયેલ ત્રણ વિદ્યાર્થીની તેમજ ત્રણ વિદ્યાર્થીઓની પિયર એજયુકેટર તરીકે નિમણુંક કરવાની સાથે માહિતીના સરળ આપ લે માટે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું. સાથે જ હેપેટાઇટિસની ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૧૧-૬૬૬૬ અને એઇડ્સ હેલ્પલાઇન નંબર ૧૦૯૭ અંગે જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા આઈ.ટી.સી.ટી. કાઉન્સેલર રૂબિનાબેન, લેબોરેટરી ટેકનેશીયન નિક્કીબેન તથા કોલેજના ડો. રાજદીપસિંહ જાડેજા, નેહાબેન ઠક્કર, રિધ્ધીબેન ઠક્કર તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપક જયેશ મટાણી દ્વારા કરવામાં આવ્યું હતું.









વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



