જૂનાગઢ ૧૨ વર્ષ બાદ વોર્ડ નં. ૩ માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયા જંગ વચ્ચે ૫૭.૬૫% મતદાન
ગુજસીટોકના ગુનામાં કોર્પોરેટર અબ્બાસ કુરેશીને સજા થતાં ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી : મજેવડી દરવાજા મથકે સૌથી વધુ ૮૦.૯૨% તો અંધશાળા ખાતે સૌથી ઓછું ૩૦.૪૭% મતદાન નોંધાયું

જૂનાગઢ ૧૨ વર્ષ બાદ વોર્ડ નં. ૩ માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયા જંગ વચ્ચે ૫૭.૬૫% મતદાન
ગુજસીટોકના ગુનામાં કોર્પોરેટર અબ્બાસ કુરેશીને સજા થતાં ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી : મજેવડી દરવાજા મથકે સૌથી વધુ ૮૦.૯૨% તો અંધશાળા ખાતે સૌથી ઓછું ૩૦.૪૭% મતદાન નોંધાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૩ માં છેલ્લા ૧૨ વર્ષથી તમામ બેઠકો બિનહરીફ ચૂંટાઈ આવતી હતી, પરંતુ આ વખતે ૧૨ વર્ષના લાંબા સમયગાળા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે જોરદાર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આ વોર્ડના કોર્પોરેટર અબ્બાસ કુરેશીને ગુજસીટોક (GCTOC) ના ગંભીર ગુના હેઠળ અદાલત દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. આજે સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા દરમિયાન યોજાયેલી આ પેટાચૂંટણીની મતદાન પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન થઈ છે.
ત્રિપાંખિયા જંગના કારણે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા અંતિમ આંકડા મુજબ, વોર્ડ નં. ૩ ના કુલ ૧૩,૯૧૯ નોંધાયેલા મતદારોમાંથી ૮,૦૨૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેના પગલે સમગ્ર વોર્ડમાં સરેરાશ ૫૭.૬૫ ટકા મતદાન નોંધાયું છે. જેમાં જાતિગત ટકાવારી જોઈએ તો, ૭,૨૨૭ પુરુષ મતદારોમાંથી ૪,૨૮૩ પુરુષોએ મતદાન કરી ૫૯.૨૬% અને ૬,૬૯૨ મહિલા મતદારોમાંથી ૩,૭૪૧ મહિલાઓએ મતદાન કરી ૫૫.૯૦% મતદાન નોંધાવ્યું હતું.
મજેવડી દરવાજા મથકે ૮૦.૯૨% સાથે રેકોર્ડબ્રેક મતદાન
૧૨ વર્ષે યોજાયેલી આ રસપ્રદ ચૂંટણીમાં વિવિધ મથકો પર મતદારોનો ઉત્સાહ જુદો જુદો જોવા મળ્યો હતો. જેમાં કુમાર શાળા નં. ૬ મથક નં. ૫ ખાતે મતદારોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો અને અહીં સૌથી વધુ ૮૦.૯૨ ટકા મતદાન નોંધાયું હતું, જેમાં મહિલાઓનું મતદાન ૮૨.૨૯ ટકા રહ્યું હતું. આ ઉપરાંત ધારાગઢ રોડ પર આવેલા દલિત સમાજ હોલ મથક નં. ૪ ખાતે ૭૪.૨૯ ટકા અને સુખનાથ ચોક સ્થિત મારી શાળા મથક નં. ૬ ખાતે ૬૭.૮૯ ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું હતું.
અંધશાળા મથકે સૌથી ઓછું મતદાન
બીજી તરફ કેટલાક મતદાન મથકો પર મતદાનની ટકાવારી નીચી રહી હતી, જેમાં અંધશાળા ઉત્તર પાંખ મથક નં. ૧૪ ખાતે સૌથી ઓછું માત્ર ૩૦.૪૭ ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત કુમાર શાળા નં. ૬ દક્ષિણ પાંખ મથક નં. ૧૨ ખાતે ૩૫.૦૫ ટકા અને અંધશાળા દક્ષિણ પાંખ મથક નં. ૧૩ ખાતે ૪૨.૨૮ ટકા મતદાન થવા પામ્યું હતું.
ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, સાંજે ૬:૦૦ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ તમામ ૧૮ મતદાન મથકોના EVM મશીનોને ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો અને પ્રતિનિધિઓની હાજરીમાં સીલ કરીને સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.



