HALVAD:હળવદના મંગળપુર ગામની સીમમાં રસ્તા મુદ્દે ખેંચતાણ: બે જૂથ વચ્ચે મારામારી, વળતી ફરિયાદ નોંધાઈ

HALVAD:હળવદના મંગળપુર ગામની સીમમાં રસ્તા મુદ્દે ખેંચતાણ: બે જૂથ વચ્ચે મારામારી, વળતી ફરિયાદ નોંધાઈ
હળવદ તાલુકાના મંગળપુર ગામની સીમમાં રસ્તે નાખેલા થાંભલા હટાવવા બાબતે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. ખેતરે જવાનો રસ્તો બંધ કરવા મુદ્દે થયેલી બબાલમાં મહિલાઓ સહિત પરિવારજનો પર ઢીંકાપાટુ, લોખંડના સળિયા અને પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, નવા વેગડવાવ ગામે રહેતા અશ્વિનભાઈ ગોરધનભાઈ સોનગ્રા (ઉં.વ. ૩૧) નામના યુવકે આરોપી ગૌતમ છગનભાઈ કણઝરીયા, છગનભાઈ પોપટભાઈ કણઝરીયા, પ્રવિણભાઈ નરશીભાઈ કણઝરીયા, ચંદ્રેશભાઈ ઘનશ્યામભાઈ કણઝરીયા અને દલસુખભાઈ હેમુભાઈ કણઝરીયા (તમામ રહે. વેગડવાવ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, અશ્વિનભાઈને પોતાના ખેતરે જવાના રસ્તે આરોપીઓના પરિવારે થાંભલા નાખ્યા હોય, જે નડતરરૂપ બનતા હતા. આ થાંભલા કાઢવા માટે અશ્વિનભાઈના કાકી કાન્તાબેન તથા ભાભી રમિલાબેન ગયા ત્યારે આરોપી ગૌતમે થાંભલો કાઢવાની ના પાડી ગાળો આપી હતી.
મહિલાઓ અને પરિવારજનો પર હુમલો ત્યારબાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કર્યો હતો:ગૌતમ અને છગનભાઈ: ફરિયાદીના કાકી કાન્તાબેન, ભાભી રમિલાબેન અને પિતાને ઢીંકાપાટુનો માર માર્યો હતો, જેમાં ત્રણેયને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.પ્રવિણભાઈ: ફરિયાદીના કાકા વાસુદેવભાઈ પર લોખંડના સળિયા વડે હુમલો કરી પગના ભાગે ઈજા પહોંચાડી હતી.ચંદ્રેશભાઈ: ફરિયાદી અશ્વિનભાઈ પર પથ્થરમારો કરી જમણા હાથે મૂઢ ઈજા પહોંચાડી હતી.
દલસુખભાઈ: ફરિયાદી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે હળવદ પોલીસે અશ્વિનભાઈની ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.








