MALIYA (Miyana:માળિયા તાલુકાના ખાખરેચી ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

MALIYA (Miyana:માળિયા તાલુકાના ખાખરેચી ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઘટાડી ગુણવત્તાયુક્ત અને રસાયણ મુક્ત ઉત્પાદન મેળવવા પ્રાકૃતિક ખેતી અપનાવવા નાયબ બાગાયત નિયામકશ્રીની અપીલ
KVK ના કૃષિ વૈજ્ઞાનિક દ્વારા જીવામૃત, ઘનજીવામૃત અને વાફસા અંગેનું અપાયું વૈજ્ઞાનિક માર્ગદર્શન
બાગાયત નિયામકશ્રી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા માળિયા તાલુકાના ખાખરેચી ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગેની એકદિવસીય ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ શિબિરમાં નાયબ બાગાયત નિયામકશ્રી વી.એચ. નકુમે પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવાથી જમીનની ફળદ્રુપતા જળવાવાની સાથે ઉત્પાદન ખર્ચ ઘટે છે અને આરોગ્યપ્રદ ઉત્પાદન મળે છે. આ પ્રસંગે KVK ના કૃષિ વૈજ્ઞાનિક શ્રી એ.વી. ખાનપરા દ્વારા જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા અને રોગ-જીવાત નિયંત્રણ અંગે ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સાથો સાથ બાગાયત અધિકારીશ્રી ભાવેશ કોઠારિયાએ બાગાયતી યોજનાઓ તથા બાગાયત અધિકારી (કેનિંગ) શ્રી પરાગ કાચાએ ‘મહિલા વૃત્તિકા યોજના’ અંતર્ગત પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન વિષયે વિસ્તૃત વિગતો આપી હતી.
આ કાર્યક્રમમાં બાગાયત સુપરવાઇઝરશ્રી મેહુલ ચાવડા, બાગાયત મદદનીશશ્રી નિસર્ગ ભારથી તેમજ GGRC અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના પ્રતિનિધિઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.










