GUJARATIDARSABARKANTHA

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઈટાવડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરી લોકકલ્યાણની પ્રાર્થના કરી

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઈટાવડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરી લોકકલ્યાણની પ્રાર્થના કરી

મુખ્યમંત્રીશ્રીએ ઈટાવડી ગામે સંત શ્રી સુખદેવજી મહારાજ અને મહંત શ્રી જગનાજી બાપુના આશીર્વાદ લીધા

રાજ્યની સુખ-શાંતિ અને જનસુખાકારી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું

વિજયનગર: 29 જુલાઈ, 2026

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે વિજયનગર તાલુકાના ઈટાવડી ગામે બિરાજમાન રામેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ પાવન પર્વે પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાન મહાદેવના ચરણે શીશ ઝુકાવી સમગ્ર જિલ્લા તેમજ રાજ્યની જનસુખાકારી, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. ગુરુપૂર્ણિમાના આ પર્વને લોકકલ્યાણના સંકલ્પ સાથે જોડી મુખ્યમંત્રીશ્રીએ આધ્યાત્મિક ઊર્જા મેળવી હતી.

આ ધાર્મિક મુલાકાત દરમિયાન તેમણે મંદિરના સ્થાપક પૂજ્ય સુકદેવજી મહારાજના પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ ભગવાન રામેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ગુજરાતની પ્રગતિ અવિરત ચાલુ રહે તેવી મંગલ કામના કરી હતી.

ગુરુપૂર્ણિમાના આ વિશિષ્ટ અવસરે મુખ્યમંત્રીશ્રીએ બાપા સુખદેવજી ધામના ગાદીપતિ અને મહંત શ્રી જગનાજી બાપુની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ મહંતશ્રીના આશીર્વાદ ગ્રહણ કરી ગુરુવંદના કરી હતી. આ પ્રસંગે મંદિરના ગાદીપતિ શ્રી જગનાજી બાપુ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ મંદિર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે પણ વિગતવાર જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, પૂર્વ સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, પૂર્વ સાંસદ શ્રી દીપ સિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. પી. પટેલ સહિતના મહાનુભાવોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ દર્શનનો લાભ લીધો હતો. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતને પગલે ઈટાવડી ગ્રામજનો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!