
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા વિસાવદરના ધારાસભ્ય અમિત ચાવડાએ ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સાકરપાતળ જિલ્લા સીટ પરથી ચૂંટાયેલ જિલ્લા સદસ્ય મંગળભાઈ ગાવીતની સત્તાવાર નિમણૂક કરી છે.ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી કોંગ્રેસ પક્ષની 6 બેઠકો છે. પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ જિલ્લા પંચાયત ખાતે પ્રજાલક્ષી મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરી જનહિતના પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસે મંગળભાઈ ગાવીતને પક્ષના નેતૃત્વની જવાબદારી સોંપી છે.નિયુક્તિ પત્રમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે,પૂર્વ ધારાસભ્ય અને હાલનાં જિલ્લા સદસ્ય મંગળભાઈ ગાવીત ડાંગ જિલ્લાના લોકોના પ્રશ્નો, વિકાસલક્ષી મુદ્દાઓ તથા જનહિતના કાર્યો માટે પક્ષની વિચારધારાને અનુરૂપ સક્રિય અને જવાબદાર ભૂમિકા નિભાવશે તેમજ કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.મંગળભાઈ ગાવીતની નિમણૂકથી ડાંગ જિલ્લા કોંગ્રેસ કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જિલ્લા પંચાયત ખાતે પ્રજાના પ્રશ્નોને વધુ અસરકારક રીતે વાચા મળશે તેવી આશા કાર્યકરો અને સ્થાનિક આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ તેમને નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી છે..




