Rajkot: રેલવે સ્ટેશને આત્મહત્યાનો પ્રયાસ કરવા જતાં પરિણીતાને બચાવતી અભયમ ટીમ

તા.૨૯/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : રાજકુમાર
મહિલા ટ્રેન શરુ થાય તેની રાહ જોઈ રહ્યા હતાં, ને સમયસર અભયમ ટીમે પહોંચી મહિલાને જીવન જીવવાની પ્રેરણા પુરી પાડી
Rajkot: રેલવે સ્ટેશને ગત રોજ એક મહિલા પ્લેટફોર્મ પર ઉભા રહી વારંવાર ટ્રેનના પાટા તરફ જોઈ રહી હતી. મહિલા દુઃખી ચહેરે ટ્રેન શરુ થાય તેની સતત રાહ જોઈ રહી હોવાનું રેલવે સ્ટેશન પરના પોલીસ જવાને જોતા તેને અજુગતું લાગ્યું. તેણે મહિલાની પૂછપરછ કરતા મહિલાએ રડતા રડતા જણાવ્યું કે, તે ખુબ દુઃખી છે અને ટ્રેનના પાટા નીચે આવીને આત્મહત્યા કરવી છે.
આ જાણી આર.પી.એફ. જવાને તરતજ મહિલાની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી મદદ માંગી હતી. કોલ મળતા જ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સક્રિય બની હતી. કાઉન્સેલરશ્રી બીનાબેન ગોહિલ તથા પાયલોટ સાગરસિંહ પરમાર રેલવે સ્ટેશને દોડી ગયા હતા.
સ્થળ પર પહોંચ્યા બાદ ટીમે મહિલાને શાંતિથી વિશ્વાસમાં લઈને વિસ્તૃત કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, તેના લગ્નને અંદાજે ૨૬ વર્ષ થયા છે. પ્રેમલગ્ન કરેલા છે અને બે સંતાનો છે. છેલ્લા ઘણા સમયથી સાસુ-સસરા દ્વારા મહેણાં-ટોણાં મારવામાં આવે છે. પતિ દ્વારા મારપીટ કરવામાં આવે છે અને તેના ચારિત્ર્ય પર શંકા કરવામાં આવે છે. સતત ચાલતા ગૃહ કલેશ અને માનસિક ત્રાસથી કંટાળી તેણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું.
૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલાને આત્મહત્યાના ગંભીર પરિણામો અંગે સમજાવી, કાનૂની તેમજ સામાજિક માર્ગદર્શન આપી જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવવા પ્રેરિત કર્યા હતાં. ત્યારબાદ મહિલાના પતિનો સંપર્ક કરી તેમને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. પતિને પણ પરિવારજનો સાથે સન્માનપૂર્ણ વર્તન રાખવા અને પત્નીને માનસિક ત્રાસ ન આપવા સમજાવવામાં આવ્યાં હતાં.
કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, તે હાલ પોતાના પતિ સાથે રહેવા માંગતા નથી. અને હવે આત્મહત્યાનો વિચાર હવે નહીં કરે તેવી ખાતરી આપી હતી. મહિલાએ સાસરી પક્ષ અથવા પતિ વિરુદ્ધ હાલ કોઈ કાનૂની કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું.
હાલ મહિલાને લાંબા ગાળાના કાઉન્સેલિંગ અને સુરક્ષિત આશ્રયની જરૂરિયાત જણાતાં, તેમની સંમતિથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા તેમને ‘સખી વન સ્ટોપ’ સેન્ટર ખાતે વધુ સહાય અને પુનર્વસન માટે રિફર કરવામાં આવી છે
મહિલાઓને જરૂર પડ્યે ‘અભયમ હેલ્પલાઇન’ ની સહાય લેવા અનુરોધ કરવામાં આવ્યો છે


