‘નલ સે જલ’ કૌભાંડ : કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના સર્વેમાં જ ગુજરાત સરકારના દાવાઓની પોલ ખુલી ગઈ !!!

ગુજરાત સરકારે 91,18,415 ઘરો સુધી નળથી પાણી પહોંચાડ્યાના મોટા-મોટા દાવા કરી રહી છે. પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ અને ચોંકાવનારી છે. કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના સરવેમાં જ ગુજરાત સરકારના દાવાઓની પોલ ખુલી ગઈ છે. કેન્દ્ર સરકારે પોતે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં માત્ર 47.3% લોકોને જ જલ જીવન મિશન યોજના થકી નળ દ્વારા શુદ્ધ પાણી મળી રહ્યું છે, બાકીના ઘરોમાં માત્ર નળ શો-પીસ બની રહ્યાં છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં આજે પણ આંતરિયાળ વિસ્તારોમાં લોકો અશુદ્ધ પાણી પીવા મજબૂર છે.
ભાજપના શાસનમાં સરકારી યોજનાઓ જાણે ભ્રષ્ટાચાર આચરીને કમાણી કરવાનું સાધન બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. મનરેગા યોજનાના કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ‘નલ સે જલ’ યોજનામાં પણ કૌભાંડ આચરાયું હોવાની વિગતો સામે આવી છે. ગુજરાત સરકારે નળ કનેક્શન આપીને સિદ્ધિના ગુણગાન ગાઈ ભરપૂર વાહવાહી મેળવી લીધી છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, હજુ સુધી અડધોઅડધ લોકોને શુદ્ધ પાણી પહોંચાડી શકાયું નથી.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયનું સુકાન સાંસદ સી. આર. પાટીલના હાથમાં હોવા છતાં તેઓ આ યોજનાનો હક નાગરિકોને અપાવી શક્યા નથી. વિપક્ષનું કહેવું છે કે, સી. આર. પાટીલ દિલ્હીમાં બેસીને માત્ર યુપી, બંગાળ, બિહારની ચૂંટણી કેવી રીતે જીતવી તેનું આયોજન જ કરે છે. પરંતુ તેમના હોમ સ્ટેટ ગુજરાતમાં જ યોજનાના નામે મોટું મીંડું સાબિત થયું છે.
શુદ્ધ પાણી આપવાનું વચન પૂરું કરવામાં મંત્રી સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે અને આજે પણ અડધોઅડધ નળ જોડાણ ધારકો માત્ર ખાલી નળ જોઈને પાણીની રાહ જોઈ રહ્યા છે. ખુદ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે પણ સ્વીકારવું પડ્યું છે કે યોજનામાં વ્યાપક સ્તરે ગેરરીતિઓ થઈ છે. આ કૌભાંડની તપાસ કરવા માટે કેન્દ્રની એક ખાસ ટીમ પણ ગુજરાત આવી હતી. જો કે, વિપક્ષે આ કેન્દ્રીય ટીમને માત્ર દેખાડો ગણાવીને આક્ષેપ કર્યો છે કે મંત્રી પોતાના વિભાગની આબરૂ બચાવવા લીંપાપોતી કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારના મતે, 18 જુલાઈ, 2024 સુધી દેશભરમાં 15.89 કરોડ પરિવારોને આ યોજનાના માધ્યમથી નળ કનેક્શન આપવામાં આવ્યું છે. આ યોજનાના અમલને લઈને કરાયેલા સરવેમાં જાણવા મળ્યું કે, 76% લોકોના ઘરમાં નળમાં નિયમિત શુદ્ધ પાણી આવે છે. સરવેમાં એ પણ બહાર આવ્યું છે કે જે લોકો પાસે નળ કનેક્શન છે, તેમાંથી ઘણાને અઠવાડિયામાં માત્ર એક જ દિવસ પાણી નસીબ થાય છે.
આંખે ઊડીને વળગે તેવી બાબત એ છે કે વિકાસના મોડેલ ગણાતા ગુજરાત કરતાં દેશના અન્ય રાજ્યો જેમ કે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, રાજસ્થાન, તામિલનાડુ, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 70%થી માંડીને 89%થી વધારે લોકોને નળથી શુદ્ધ પાણી મળી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં અડધાથી વધુ વસ્તી હજુ પણ શુદ્ધ પાણીથી વંચિત છે.
રાજ્યમાં મનરેગા યોજનાની જેમ નલ સે જલ યોજનામાં પણ ગેરરીતિ આચરવામાં આવી છે. એવો આક્ષેપ છે કે, રાજ્યના અંતરિયાળ પછાત અને આદિવાસી વિસ્તારોમાં જમીનમાં પાણીની મુખ્ય પાઇપલાઇનો નાખ્યા વગર જ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી માત્ર ઘરની બહાર નળ લગાડીને કાગળ પર કામ પૂર્ણ બતાવી દેવાયું છે. સી. આર. પાટીલના મંત્રાલયની બેદરકારીના પાપે ગરીબ આદિવાસીઓને આજે પણ કાળઝાળ ગરમીમાં માઇલો દૂર સુધી પીવાનું પાણી લેવા ભટકવું પડે છે.
આ યોજનામાં મળતિયા કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓએ ભેગા મળીને કરોડો રૂપિયા સગેવગે કરી લીધા છે. પછાત અને આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનો નાખ્યા વગર જ, માત્ર નળ લગાડીને કામ પૂર્ણ થયાનો કાગળ પર દેખાવ કરવામાં આવ્યો છે. સરકારી ચોપડે કામ પૂરું થઈ ગયું છે અને મલાઈ વહેંચાઈ ગઈ છે, પરંતુ ગરીબો અને આદિવાસીઓને આજે પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં દુર-દુર સુધી પાણી લેવા ભટકવું પડે છે. હવે તપાસનું નાટક ચાલી રહ્યું છે.



