શેઠ શ્રી ટી.પી. હાઈસ્કૂલ, માલણ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠ શ્રી ટી.પી. હાઈસ્કૂલ, માલણ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર શાળાને તેમજ પ્રાર્થના ખંડ ને શણગારવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે થયો હતો. ત્યારબાદ ધોરણ 12 ની વિદ્યાર્થિનીઓ ગુરુજીઓને કુમકુમ તિલક કરીને તેમનું પૂજન કર્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા.શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિએ ગુરુના મહિમા અને ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સ્થાન વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ ગુરુવંદના ગીતો, કાવ્યો અને વક્તવ્યો દ્વારા ગુરુ પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ મહર્ષિ વેદવ્યાસજીના જીવનચરિત્ર અને ગુરુપૂર્ણિમાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ પોતાનું વકતવ્ય રજૂ કર્યું હતું. ગુરુનું સન્માન કેમ કરવામાં આવે છે તે બાબતે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓએ ગુરુજીઓના આશીર્વાદ મેળવી ગુરુના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી વાતાવરણમાં યોજાયો હતો. કાર્યક્રમના અંતે સૌએ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને શિક્ષણ સાથે સારા સંસ્કારોનું પણ મહત્વ સમજવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 12 ની વિદ્યાર્થીની આરતી બારોડે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિએ ધોરણ 12ના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.




