MORBI:મોરબીમાં દર્દનાક અકસ્માત: કબ્રસ્તાન પાસે લઘુશંકા કરવા ગયેલા નેપાળી યુવક પર બસનું ટાયર ફરી વળતા કરુણ મોત

MORBI:મોરબીમાં દર્દનાક અકસ્માત: કબ્રસ્તાન પાસે લઘુશંકા કરવા ગયેલા નેપાળી યુવક પર બસનું ટાયર ફરી વળતા કરુણ મોત
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર એક અત્યંત દર્દનાક અને કાળજું કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. કબ્રસ્તાનની દીવાલ નજીક લઘુશંકા કરવા ઊભેલા યુવક પર આઈસર બસના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી બસનું પાછળનું ટાયર ફેરવી દેતા યુવકનું ગંભીર ઈજાઓને કારણે કમકામાટીભર્યું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, મૂળ નેપાળના વતની અને હાલ મોરબીના બેલા ગામ નજીક આવેલા ‘વિનઆર્ટ પેકેજીંગ’ કારખાનામાં મજૂરી કામ કરતા ચંદન જગત બડુવાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત તા. ૧૬ જુલાઈના રોજ તેમનો કાકાનો દીકરો ગોપીન્દ્ર ઉર્ફે ગોપાલ પદમ બડુવાલ મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા એપાર્ટમેન્ટ સામે, કબ્રસ્તાનની દીવાલ પાસે લઘુશંકા કરવા ગયો હતો.એ સમયે ત્યાં રોડ પર આઈસર કંપનીની બસ (નંબર: GJ 03 BZ 5436) પાર્ક કરેલી હતી. ગોપીન્દ્ર દીવાલ અને બસ વચ્ચેની જગ્યામાં લઘુશંકા કરી રહ્યો હતો, ત્યારે બસના ચાલકે આજુબાજુ કે પાછળ જોયા વગર જ અચાનક બસ ચાલુ કરીને આગળ ધપાવી હતી.સ્થળ પર જ નીપજ્યું મોત, બસ ચાલકની બેદરકારીના કારણે બસનું પાછળનું ટાયર (જોટો) ગોપીન્દ્રના શરીર પર ફરી વળ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને બસ લઈને ચાલક નાસી છૂટ્યો.આ બનાવ અંગે મૃતકના ભાઈ ચંદન બડુવાલની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આઈસર બસ (GJ 03 BZ 5436) ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.










