NANDODNARMADA

નર્મદા : વરસાદી સિઝનમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષાની ચિંતા, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સઘન કાર્યવાહી

નર્મદા : વરસાદી સિઝનમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષાની ચિંતા, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સઘન કાર્યવાહી

 

રાજપીપળા શહેરમાં 30 જેટલી ખાણીપીણીના સ્ટોલ-લારીઓની તપાસ ; 27 કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી અને 26 લિટર પાણીનો નાશ કરાયો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

હાલ ચાલી રહેલી વરસાદી ઋતુમાં દૂષિત અને અસ્વચ્છ ખોરાકના કારણે રોગચાળો ફેલાવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને મદદનીશ કમિશ્નરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજપીપળા શહેરમાં સઘન ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલની આસપાસ તેમજ ગાર્ડન વિસ્તાર ખાતે આવેલા ખાણીપીણીના સ્ટોલ અને લારીઓ સહિત કુલ 30 જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વેપારીઓને ખાદ્ય ચીજવસ્તુઓ હંમેશા ઢાંકીને રાખવા, સ્વચ્છ અને ક્લોરીનેટેડ પાણીનો જ ઉપયોગ કરવા તેમજ ખાદ્ય ચીજવસ્તુઓ તળવા માટે વપરાતા તેલને સમયાંતરે બદલવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

 

તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ અનહાઇજીનિક અને માનવ આરોગ્ય માટે અયોગ્ય ખાદ્ય સામગ્રી જોવા મળતાં સ્થળ પર જ તેનો નાશ કરાવવામાં આવ્યો હતો. તેમાં 21 કિલોગ્રામ બટાકાનો માવો અને મન્ચુરિયન બોલ્સ, 6 કિલોગ્રામ મન્ચુરિયન બનાવવા માટેનો લોટ, આશરે 26 લિટર પાણીપૂરીનું પાણી તેમજ કૃત્રિમ રંગના 10 પેકેટનો સમાવેશ થાય છે.

 

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વેપારીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ સ્વચ્છતા અને ગુણવત્તાના તમામ ધોરણોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે જ ચોમાસાની ઋતુ દરમિયાન સ્વચ્છતા જાળવી સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કરવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

 

નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ ખુલ્લામાં વેચાતા અથવા અસ્વચ્છતા જણાતી ખાદ્ય ચીજવસ્તુઓનું સેવન ટાળે, સ્વચ્છતા ધરાવતા સ્થળેથી જ ખાદ્યપદાર્થોની ખરીદી કરે અને આરોગ્ય પ્રત્યે સજાગ રહી વરસાદી સિઝનમાં જરૂરી તકેદારી રાખે.

Back to top button
error: Content is protected !!