
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગના વાસુર્ણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિધામમાં અનોખી ગુરુપૂર્ણિમા ઉજવણી, હજારો પરિવારો સુધી પહોંચી સેવા અને સહયોગ
ડાંગ જિલ્લાના વાસુર્ણા ગામે આવેલ તેજસ્વિની સંસ્કૃતિધામ ખાતે આ વર્ષની ગુરુપૂર્ણિમા માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત રહી નહોતી, પરંતુ માનવસેવાના મહાયજ્ઞમાં પરિવર્તિત થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરથી પ્રભાવિત પરિવારોને મદદરૂપ થવા માટે બ્રહ્મવાદિની પરમ પૂજ્ય હેતલ દીદીએ ભક્તોને કરેલી ભાવસભર અપીલ સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ બની હતી.
પૂજ્ય હેતલ દીદીએ ગુરુપૂર્ણિમા પૂર્વે સંદેશ આપ્યો હતો કે, “ગુરુપૂર્ણિમાએ અહીં દર્શન કરવા ન આવશો તો ચાલશે, પરંતુ પૂરપીડિત ભાઈ-બહેનોની યથાશક્તિ સેવા કરશો, એ જ સાચી ગુરુદક્ષિણા છે.” આ સંદેશને ભક્તોએ હૃદયથી સ્વીકારીને સેવાભાવનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પરમ પૂજ્ય હેતલ દીદી અને આચાર્ય પરમ પૂજ્ય કેતન દાદાના માર્ગદર્શન હેઠળ તેજસ્વિની સંસ્કૃતિધામ સાથે સંકળાયેલા સેવાભાવી કાર્યકરો અને અનેક સામાજિક સંસ્થાઓ ડાંગ, અમલસાડ, ધમડાછા, ગણદેવી, દેવધા, તલિયારા, લુસવાડા, સામરાવાડી, હથિયાવાળી સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રાહત અને પુનર્વસનની કામગીરીમાં સક્રિય રીતે જોડાયા હતા.
આ સેવાયજ્ઞ અંતર્ગત કરુણામય ચેરીટેબલ ટ્રસ્ટના અતુલ મહેતાના સાનિધ્યમાં 4,000 ધાબળા અને 4,000 ચાદરોનું વિતરણકરવામાં આવ્યું હતું. કાયાતળાવ ગોલકુ પરિવાર દ્વારા 108 મિક્સર મશીન, ધાબળા અને કપડાં, જય ગોપાલ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવારના વાલજીભાઈના સહયોગથી 5,000 ફૂડ પેકેટ, તેમજ સુરતના ભરતભાઈ પરિવાર દ્વારા 1,500 ફૂડ કિટોજરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવી હતી.
હરિયાળી ગ્રુપ, બીલીમોરાના નીતિનભાઈ મહેતાએ 250 ખુરશીઓનું દાન આપ્યું હતું. અનાવેલ સહિયર સખા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના પ્રણેતા વિભુતિબેન દેસાઈ અને તેમની ટીમ દ્વારા પૂરગ્રસ્ત પરિવારોને જરૂરિયાત મુજબ અંદાજે રૂ. 14 લાખની રોકડ સહાયઆપવામાં આવી હતી, જે અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી.
વાસુર્ણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન બાદ મુખ્ય સેવક હરિભાઈ દ્વારા બાળકોને ડ્રોઇંગ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંગલ રબર પ્રોડક્ટના રાધેશ્યામજીએ 50 દીકરીઓને ચપ્પલનું દાન આપ્યું હતું, જ્યારે આચાર્ય કેતન દાદાએ બાળકોને પાટી-પેન અને વસ્ત્રોનું વિતરણ કરી શિક્ષણ અને સંસ્કારનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે શિવાશ્રય તેજસ્વિની કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ તથા જિલ્લા યુવા મોરચાના કાર્યકરોએ પણ ઉપસ્થિત રહી પૂજ્ય હેતલ દીદીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધનસુખભાઈ સહિત તેજસ્વિની સંસ્કૃતિ પરિવારના તમામ સેવાભાવી કાર્યકરોએ નિઃસ્વાર્થ ભાવથી જહેમત ઉઠાવી હતી.
ગુરુપૂર્ણિમાની આ ઉજવણી એ સાબિત કરી ગઈ કે સાચી ગુરુભક્તિ માત્ર પૂજનમાં નહીં, પરંતુ જરૂરિયાતમંદના આંસુ લૂછવામાં છે. **“સહયોગ જ સર્વોત્તમ યોગ અને આશ્વાસન જ સર્વોત્તમ આસન”**ના જીવનમૂલ્યને આત્મસાત કરતી આ સેવાયાત્રા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.




