GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ભારે વરસાદને લઈને નવસારી મનપા નાં મેયર અશોક ધોરાજીયાના અધ્યક્ષસ્થાને તાકીદની બેઠક, નાગરિકો માટે સુરક્ષા માર્ગદર્શિકા જાહેર

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૩૧ જુલાઈના રોજ નવસારી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતાં નવસારી મહાનગરપાલિકા સંપૂર્ણ સતર્ક બની છે. સંભવિત કુદરતી આપત્તિ સામે અસરકારક આયોજન અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આજે નવસારી મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે મેયરશ્રી અશોક ધોરાજીયાના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાકીદની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય, મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંભવિત ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પહોંચી વળવા માટેની પૂર્વ તૈયારીઓ, બચાવ અને રાહત કામગીરી, કંટ્રોલ રૂમની કામગીરી તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

હવામાન વિભાગની ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં સતત નજર રાખવા, જરૂરી પડે તો અસરગ્રસ્ત નાગરિકોને આગોતરા સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવા તેમજ તમામ ઈમરજન્સી સેવાઓ કાર્યરત રાખવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરતાં જણાવ્યું છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવું તેમજ વીજળીના થાંભલા, ખુલ્લા વાયર અને નદી-નાળાઓથી સુરક્ષિત અંતર જાળવવું અત્યંત જરૂરી છે.

તંત્રએ વધુમાં જણાવ્યું છે કે કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. તાત્કાલિક મદદ માટે નાગરિકો મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમના ફોન નંબરો ૦૨૬૩૭-૨૫૯૦૦૧ અને ૦૨૬૩૭-૨૩૩૦૦૨ પર સંપર્ક કરી શકે છે. મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દરેક પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણપણે સજ્જ હોવાનું પણ જણાવાયું છે.

નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કરતાં તંત્રએ સંદેશ આપ્યો છે કે, “અફવાઓથી દૂર રહો, સતર્ક રહો અને સુરક્ષિત રહો.” નવસારી મહાનગરપાલિકા શહેરના દરેક નાગરિકની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું બેઠકમાં પુનરોચ્ચાર કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!