
ભારે વરસાદની આગાહીને પગલે ડેડીયાપાડાના ચાર ગામોની સગર્ભા મહિલાઓનું સુરક્ષિત સ્થળાંતર,
નવાગામ, બયડી, વાંદરી અને પીપલોદ ગામોની સગર્ભા બહેનોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી,
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે જરૂરી પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. સંભવિત પૂર અને માર્ગ અવરોધ જેવી પરિસ્થિતિમાં સગર્ભા મહિલાઓને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ડેડીયાપાડા તાલુકાના નવાગામ, બયડી, વાંદરી અને પીપલોદ ગામોની સગર્ભા બહેનોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે.
આ કામગીરી આરોગ્ય વિભાગ, સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ અને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના સંકલનથી હાથ ધરવામાં આવી હતી. સગર્ભા બહેનોને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં સલામત રીતે ખસેડવામાં આવી છે, જેથી ભારે વરસાદ અથવા પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તેમને તાત્કાલિક અને સતત આરોગ્ય સેવાઓ મળી રહે.
જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે સગર્ભા મહિલાઓની સુરક્ષા અને આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ આગળની રાહત તથા બચાવ કામગીરી માટે પણ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.




