MORBI:મોરબી પાલિકાની સામાન્ય સભા ‘ખાનગી’ કેમ બનાવવી પડી? પત્રકારોને બહાર કાઢવા સામે ઉઠ્યા આકરા સવાલો

MORBI:મોરબી પાલિકાની સામાન્ય સભા ‘ખાનગી’ કેમ બનાવવી પડી? પત્રકારોને બહાર કાઢવા સામે ઉઠ્યા આકરા સવાલો
મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે ભારે વિવાદ અને ધમાસાણ વચ્ચે યોજાઈ હતી. સભા દરમિયાન પત્રકારોને બહાર કાઢીને સામાન્ય સભાને ‘ખાનગી સભા’ બનાવી દેવાતા વિવાદ સર્જાયો હતો. સભા પૂર્ણ થયા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ કયા એક્ટ કે અધિનિયમ મુજબ મીડિયાને બહાર કાઢવામાં આવ્યા તે અંગે આકરા પ્રશ્નો પૂછતાં યુવા મેયર ઉત્તમ સુરાણી યોગ્ય જવાબ આપી શક્યા ન હતા અને મુશ્કેલીમાં મુકાયા હતા. આખરે મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ આગળ આવીને સમગ્ર મામલે બચાવ કરવો પડ્યો હતો.
પત્રકારોના આકરા સવાલો, મેયર ગોળ-ગોળ જવાબોમાં ગૂંચવાયા : મહાપાલિકાના તમામ 52 કોર્પોરેટરો ભાજપના જ હોય, વિપક્ષની ગેરહાજરીમાં પત્રકારો જ જનતાના પ્રશ્નો વાચા આપવાનું કામ કરી રહ્યા છે. તેવામાં સભામાંથી પત્રકારોની એન્ટ્રી પર રોક લગાવવામાં આવતાં પત્રકારોએ સત્તાધીશો સામે વિરોધ દર્શાવ્યો હતો. મેયર ઉત્તમ સુરાણીએ સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે, “સભ્યો સાથે 10 મિનિટ આંતરિક ચર્ચા કરવાની હોવાથી બહાર જવા કહ્યું હતું, કોઈને સભામાંથી કાઢી મૂકવાનો આદેશ ન હતો.” જોકે, પત્રકારોએ અધિનિયમ અંગે પૂછતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.
વિવાદ વધતાં મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ દરમિયાનગીરી કરી હતી અને આ બનાવને ગેરસમજ ગણાવતા કહ્યું હતું કે, મેયરને સભ્યો સાથે માત્ર 10 મિનિટ ચર્ચા કરવી હોય વિનંતી કરાઈ હતી. ભવિષ્યમાં આવી કોઈ ગેરસમજ નહીં થાય તેવી પણ તેમણે ખાતરી આપી હતી.
સામાન્ય સભામાં લેવાયેલા મહત્વના નિર્ણયો અને ખુલાસા:મહિલા કોર્પોરેટરોના પતિ કે સગા-સંબંધીઓની દખલગીરી પર બ્રેક:સભામાં મહિલા કોર્પોરેટરોના પતિ કે સગાઓ આવીને બેસી જતા હોવાની ગંભીર બાબતે કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્રવૃત્તિ બિલકુલ અસ્વીકાર્ય છે. આજથી જ તમામ કોર્પોરેટરોને ID કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે અને હવેથી માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ સભામાં બેસી શકશે.
બાળમજૂરી કરાવતી એજન્સી સામે કડક કાર્યવાહીની ચીમકી:
ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનમાં બાળકો પાસે મજૂરી કરાવવાની ફરિયાદ અંગે કમિશનરે જણાવ્યું કે શ્રમ અધિકારીના ધ્યાને આ બાબત આવી છે અને જો બાળમજૂરી સાબિત થશે તો એજન્સી સામે ૧૦૦% કડક પગલાં લેવાશે.
ભંગાર કૌભાંડમાં FIR ની તૈયારી:ચર્ચિત ભંગાર કૌભાંડમાં જવાબદાર અધિકારીનો ખુલાસો અગ્રાહ્ય રાખી દંડ કરાયો છે. હાલ ચીફ ઓડિટરને તપાસ સોંપાઈ છે અને રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે FIR દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરાશે.
GPMC એક્ટની કલમ ૩૦ મુજબ ૧૫ નવી સમિતિઓની રચના કરાઈ છે. આ ઉપરાંત વર્ગ-૩ અને ૪ ના કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થાય તો પરિવારને ₹૧૪ લાખની વીમા સહાય આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત એક મૃતક કર્મચારીના પરિવારને મેયરના હસ્તે પ્રથમ ચેક એનાયત કરાયો હતો.
સોશિયલ મીડિયા પોસ્ટ સામે પત્રકારોનો આક્રોશ : સમગ્ર ઘટનાક્રમ બાદ મોરબી જિલ્લા ભાજપના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પત્રકારોના સન્માન અને તેમની વેદના સમજવા અંગેની એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જોકે, પત્રકારોએ આ બાબતે પણ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે:જો ખરેખર મીડિયાના સન્માનની ચિંતા હોય, તો માત્ર સોશિયલ મીડિયા ગ્રુપમાં સંદેશા મૂકવાને બદલે જવાબદારોએ પત્રકારોનો વ્યક્તિગત કે ટેલિફોનિક સંપર્ક કરવો જોઈતો હતો.મીડિયા પ્રત્યેનું સન્માન માત્ર સોશિયલ મીડિયાની પોસ્ટ પૂરતું મર્યાદિત ન રહેતાં શાસકોના વર્તનમાં પણ દેખાવું જોઈએ.મહાનગરપાલિકાનું આશ્વાસન :વિવાદ વકરતા અને પત્રકારોના ભારે રોષને જોતા આખરે શાસકોએ નમતું જોખવું પડ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે:”પત્રકારો સાથે જે બન્યું છે તેનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીશું અને આગામી તમામ સામાન્ય સભામાં પત્રકારો માટે યોગ્ય બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.”હાલમાં આ સમગ્ર ઘટનાક્રમને પગલે મોરબીના પત્રકાર વર્તુળો અને રાજકીય આલમમાં ભારે ચર્ચા જાગી છે, અને મહાનગરપાલિકાના શાસકોની પારદર્શિતા અને ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.










