MORBI:મોરબી કલ્યાણ વજેપર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ તપાસ અને આરોગ્ય શિબિર યોજાઈ

MORBI:મોરબી કલ્યાણ વજેપર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ તપાસ અને આરોગ્ય શિબિર યોજાઈ
ભારત વિકાસ પરિષદ–મોરબી શાખા (મહિલા સહભાગીતા પાંખ) અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના સંયુક્ત ઉપક્રમે ૩૦ જુલાઈના રોજ કલ્યાણ વજેપર ગામ પ્રાથમિક વિદ્યાલય (આલાપ રોડ, મોરબી) ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ ચેકઅપ તથા આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રિ કયોર લેબોરેટરીના ડૉ. પ્રકાશ વિડજા અને તેમની ટીમે હાજર રહીને વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લીધા હતા અને આરોગ્ય તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળશે, તેમને સંસ્થા દ્વારા નિઃશુલ્ક દવાઓ પણ પૂરી પાડવામાં આવશે.
ભામાશાનો આર્થિક સહયોગ અને અગ્રણીઓની ઉપસ્થિતિ :આ ઉત્કૃષ્ટ સેવાકીય કાર્ય માટે શ્રી કાંતિભાઈ પાવાગઢ દ્વારા મહત્વપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ–મોરબી શાખાના હોદ્દેદારો અને અગ્રણીઓ જેવા કે મોરબી જિલ્લા પ્રાંત સંયોજક ડૉ. જયેશભાઈ પનારા, મહિલા કાર્યકર કોમલબેન પનારા તેમજ સંદિપભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
શાળા પરિવારનો સરાહનીય સહકાર :કાર્યક્રમના સુચારુ આયોજન અને સંકલન માટે કલ્યાણ વજેપર પ્રાથમિક વિદ્યાલયના આચાર્ય, શિક્ષકગણ અને સ્ટાફે પ્રશંસનીય સહયોગ આપ્યો હતો. ભારત વિકાસ પરિષદ–મોરબી શાખાએ દાતાશ્રી તથા શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત વિકાસ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાળ કલ્યાણ અને આરોગ્ય જાગૃતિ અર્થે આવા કાર્યક્રમો સતત યોજાતા રહે છે, જેથી સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપી શકાય.









