વાવ-થરાદ જિલ્લામાં સંભવિત ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ મોડમાં કલેક્ટર શ્રી મયુર મહેતાએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહીને પગલે વાવ-થરાદ જિલ્લામાં વહીવટી તંત્ર સજ્જ સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રની બેઠક : ૨૪ કલાક કંટ્રોલ રૂમ સહિત NDRF ટીમ તૈનાત હવામાન વિભાગ દ્વારા તારીખ ૩૦ જુલાઈ થી લઈને ૨ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન રાજ્યમાં ચક્રવાત તથા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વાવ – થરાદ જિલ્લામાં તા.૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં જિલ્લા કલેક્ટરશ્રી મયુર મહેતાના અધ્યક્ષસ્થાને થરાદ સ્થિત કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંભવિત ભારે વરસાદ દરમિયાન જાનમાલનું નુકસાન અટકાવવા તેમજ બચાવ અને રાહત કામગીરી સમયસર અને અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી તમામ પૂર્વ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા તેમજ પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી. જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ, રેસ્ક્યૂ બોટોની વ્યવસ્થા, તેમજ તમામ સંબંધિત સાધન-સામગ્રી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમને ૨૪ કલાક કાર્યરત રાખવા તેમજ મળતી દરેક માહિતી પર ત્વરિત પ્રતિસાદ આપવા ભાર મૂકવામાં આવ્યો હતો. સંભવિત આપત્તિને પહોંચી વળવા NDRFની ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે.
આ બેઠકમાં નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ સતત નજર રાખવા, માર્ગ વ્યવહાર, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણી અને આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી આયોજન સાથે સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી.કલેક્ટરશ્રી મયુર મહેતાએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, પાણીના વહેણવાળા રસ્તાઓ કે કોઝવે પાર કરવાનો પ્રયાસ ન કરવો, વરસાદ દરમિયાન પશુઓને ખુલ્લામાં ન બાંધવા, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરે. તેમણે અફવાઓથી દૂર રહી માત્ર સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો હતો. આ સાથે કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોએ જિલ્લા કંટ્રોલ રૂમના ૦૨૭૩૭-૨૨૩૩૭૪ નંબર પર સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કલ્પેશકુમાર શર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી તુષાર જાની સહિત તમામ તાલુકાના લાયઝન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








