WAKANER:વાંકાનેરમાં પૂર્વ સાંસદ સ્વ. લલિતભાઈ મહેતાની જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો

WAKANER:વાંકાનેરમાં પૂર્વ સાંસદ સ્વ. લલિતભાઈ મહેતાની જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો
લેખન, અનુશાસન અને સંગઠનશક્તિના બળે તેમણે ‘વિદ્યામંદિરથી લોકમંદિર’ સુધીની યાત્રા કરી: પશ્ચિમ ક્ષેત્ર સરસંઘચાલક શ્રી જ્યંતીભાઈ ભાડેશીયા
વિવિધ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ, અગ્રણીઓ અને ગ્રામજનોએ સ્વ. લલિતભાઈના આદર્શો પર ચાલવાનો સંકલ્પ લીધો
વાંકાનેર:પ્રખર અર્થશાસ્ત્રી, શ્રેષ્ઠ શિક્ષણવિદ્, જીવદયા પ્રેમી અને પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ શ્રી લલીતભાઈ અમૃતલાલ મહેતા સાહેબના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર વિદ્યાભારતી પરિવાર દ્વારા તારીખ ૩૦/૭/૨૬ના રોજ એક વિશેષ સ્મરણાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય વક્તાનું પ્રબોધન :કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક શ્રી જ્યંતીભાઈ ભાડેશીયાએ જણાવ્યું હતું કે:
“શબ્દોને કાર્યમાં ફેરવવાનું જે સામર્થ્ય સ્વ. લલિતભાઈના જીવનમાં હતું તે જ તેમની સાચી ઓળખ હતી. તેમણે લેખન, અનુશાસન અને સંગઠનશક્તિના બળે વિદ્યામંદિરથી લોકમંદિર સુધીની યાત્રા કરી છે. જાહેર જીવનમાં રહી અનેક પુસ્તકોનું નિર્માણ કર્યું, શિક્ષણક્ષેત્રે સમાજશ્રેષ્ઠિઓને સાથે રાખી સંસ્થાઓનો વિકાસ કર્યો અને સમગ્ર સમાજને સંગઠિત કર્યો.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સંઘર્ષના દિવસોમાં પણ રાષ્ટ્રવિચાર જીવંત રાખવો, નાનામાં નાના કાર્યક્રમમાં હેતુને કેન્દ્રસ્થાને રાખી અનુશાસનપૂર્વક કામ કરવું અને પરિવારના સહયોગથી રાષ્ટ્રકાર્યને જીવન ધ્યેય બનાવવું એ સ્વ. લલિતભાઈના જીવનમાંથી શીખવા જેવું છે.
સ્વાગત અને પ્રાસ્તાવિક :કાર્યક્રમના પ્રારંભે યુવા સંગઠનના પ્રમુખ શ્રી વિનુભાઈ રૂપારેલિયાએ સ્વાગત અને પ્રાસ્તાવિક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, આ સ્મરણાંજલિ કાર્યક્રમ માત્ર વ્યક્તિસ્મરણ નથી, પરંતુ સમાજપ્રબોધન અને સ્વ. લલિતભાઈના જીવનમૂલ્યોને જનજન સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે.
વિવિધ સંસ્થાઓ અને મહાનુભાવોની ગૌરવવંતી ઉપસ્થિતિ આ સ્મરણાંજલિ સભામાં વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, અગ્રણીઓ અને સ્વ. લલિતભાઈના પરિવારે ઉપસ્થિત રહી ભાવાંજલિ અર્પી હતી:
ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ: ગાયત્રી મંદિરના મહંત શ્રી અશ્વિન બાપુ, એચ. કે. દવે સાહેબ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પ્રવીણભાઈ ધોળકિયા, રાજકોટ વિભાગના મંત્રી શ્રી જેન્તીભાઈ પડસુંબીયા.
પરિવારજનો: તુષારભાઈ મહેતા પરિવાર, કલ્પેનદુભાઈ મહેતા પરિવાર.:વિવિધ સંસ્થાઓ: જૈન સોશિયલ ગ્રુપ, જૈન જાગૃતિ સંગિની ગ્રુપ, જૈન જ્ઞાતિ મંડળ, વાંકાનેર એજ્યુકેશન સોસાયટી, વાંકાનેર પાંજરાપોળ, પુસ્તક પરબ, માનવ સેવા મહિલા પરિવાર, વનિતા વૃંદ, ભારત વિકાસ પરિષદ, ભગિની યોગા ગ્રુપ, RSS અને વિદ્યાભારતી સંસ્થાના કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો તેમજ સર્વ સમાજના અગ્રણીઓ.
આભારવિધિ કાર્યક્રમના અંતે વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમરશીભાઈ મઢવીએ આભારવિધિ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “લલિતભાઈ મહેતાના શબ્દો અને કર્તૃત્વમાં ક્યારેય અંતર નહોતું. તેઓ આજે પણ પોતાના કાર્યો દ્વારા સમાજના હૃદયમાં જીવંત છે. તેમના આદર્શોને જીવનમાં ઉતારવા એ જ તેમના પ્રત્યેની સાચી સ્મરણાંજલિ છે.”









