KUTCHMUNDRA

અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ ૫૮ પ્રાથમિક શાળાઓ અને ૧૨ હાઈસ્કૂલોમાં ગુરુપૂર્ણિમાની ભાવ વિભોર ઉજવણી

અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ ૫૮ પ્રાથમિક શાળાઓ અને ૧૨ હાઈસ્કૂલોમાં ગુરુપૂર્ણિમાની ભાવ વિભોર ઉજવણી ગુરુના આદર્શોને જીવંત કરતી સાંસ્કૃતિક પરંપરાનું અનોખું આયોજન

ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોપરી છે. જ્ઞાન, સંસ્કાર, નૈતિકતા અને જીવનમાર્ગના પ્રકાશક તરીકે ગુરુને માનવ જીવનના સ્થાપક માનવામાં આવે છે. આ પવિત્ર પરંપરાને જીવંત રાખવા અને વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા તથા સાંસ્કૃતિક ગૌરવની ભાવના વિકસાવવા માટે અષાઢ સુદ પૂર્ણિમાના પાવન અવસરે અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ સંચાલિત ૫૮ પ્રાથમિક શાળાઓ અને ૧૨ હાઈસ્કૂલોમાં ગુરુપૂર્ણિમાની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી.

ગુરુપૂર્ણિમા (વ્યાસ પૂર્ણિમા) માત્ર તહેવાર નથી, પરંતુ જ્ઞાન અને આધ્યાત્મિકતાના પ્રતીક તરીકે હિંદુ તેમજ બૌદ્ધ પરંપરામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે વ્યાસજીનું સ્મરણ કરીને આધ્યાત્મિક અને લૌકિક ગુરુઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.

કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના અને પ્રાર્થનાથી થઈ હતી. વિદ્યાર્થીઓએ પોતાના 70 આચાર્યશ્રીઓ અને ૩૨૭ શિક્ષકોને કુમકુમ-અક્ષત વડે તિલક કરી, પુષ્પમાળા અર્પણ કરી અને ગુરુવંદના ગાઈને તેમના પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો. સમગ્ર શાળા પરિવાર ગુરુભક્તિના ભાવમાં લીન થઈ ગયો હતો.

આ અવસરે ગુરુપૂજન અને ગુરુ ઋણ સ્વીકારના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનને યાદ કરીને આભાર વ્યક્ત કર્યો. તેઓએ ભારપૂર્વક કહ્યું કે ગુરુ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પરંતુ સારા નાગરિક બનવા માટે જરૂરી શિસ્ત, નૈતિકતા, માનવતા અને જીવનમૂલ્યોનું સિંચન કરે છે.

૯૫૦૦ વિદ્યાર્થીઓએ ગુરુ-શિષ્ય પરંપરા પર આધારિત નાટકો રજૂ કર્યા, જેમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ગુરુના મહિમા અને આધુનિક સમયમાં શિક્ષકની ભૂમિકાને સુંદર રીતે રજૂ કરવામાં આવી. ઉપરાંત, ભાષણ, કાવ્યપઠન, નિબંધ લેખન, ચિત્રકલા અને અન્ય સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમની રચનાઓમાં ગુરુ પ્રત્યેની અગાધ શ્રદ્ધા, પ્રેમ અને કૃતજ્ઞતા સ્પષ્ટપણે ઝળકી ઊઠી.

શાળાના આચાર્યો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું, “ગુરુ જીવનનો સાચો દીપક છે. તેમના માર્ગદર્શનથી જ વ્યક્તિ જીવનમાં સફળતાની ઊંચાઈઓ સર કરી શકે છે. ગુરુપૂર્ણિમા એ આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે.”
અદાણી ફાઉન્ડેશનનો ઉત્થાન પ્રોજેક્ટ શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા સાથે નૈતિક મૂલ્યો, સંસ્કાર અને સાંસ્કૃતિક જાગૃતિ વિકસાવવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા પરિવાર અને ઉત્થાન સહાયક શિક્ષકોના ઉત્સાહી સહયોગથી હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો. આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના મનમાં ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યોને વધુ ઊંડે ઉતારવાની પ્રેરણાદાયી ક્ષણ બની રહી.

અદાણી ફાઉન્ડેશન આવા સાંસ્કૃતિક અને મૂલ્યલક્ષી કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન અને સંસ્કારના સમન્વયથી સજ્જ કરવાનું સતત પ્રયત્નશીલ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ થી ઉત્થાન દ્વારા સંપૂર્ણ કચ્છમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. વિશેષ મુંદરા અને માંડવી તાલુકાની ૭૦ થી વધુ શાળાઓ અને ૧૦૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટનો લાભ મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!