Rajkot: રાજકોટ: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પંચાયત પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેનની શુભેચ્છા મુલાકાત

તા.૩૧/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આજરોજ તા. 30 જુલાઈ, 2026ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિ. રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા સાહેબ તેમજ શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન માનનીય શ્રી નિલેશભાઈ હીરપરા સાહેબની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ રાજકોટ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ, શિક્ષકોના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ તેમજ શિક્ષણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અંગે રચનાત્મક સંવાદ સ્થાપિત કરવાનો હતો.
મુલાકાત દરમિયાન શિક્ષણ સમિતિના ચેરમેન માનનીય શ્રી નિલેશભાઈ હીરપરા સાહેબનું ભારત માતાનું ચિત્ર, શાલ, “મારી શાળા મારું તીર્થ” પુસ્તક તેમજ “બુકે નહીં, બુક” અભિયાન અંતર્ગત પુસ્તક અર્પણ કરીને સન્માનપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું હતું. સંગઠન દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં મૂલ્યનિષ્ઠા, રાષ્ટ્રભાવના અને વાંચન સંસ્કૃતિના વિકાસ માટે ચાલી રહેલા વિવિધ પ્રયત્નોની પણ માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ માનનીય પ્રમુખશ્રી તથા ચેરમેનશ્રી સાથે શિક્ષણ અને શિક્ષક હિતને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું:
શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ મળે તે હેતુથી ફ્લડ કંટ્રોલ ડ્યુટીમાંથી મુક્તિ આપવા અંગે.
SOE શાળાઓના બાંધકામમાં ગુણવત્તા જળવાઈ રહે, કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક માળખું ઉપલબ્ધ બને તે અંગે.
PRISHA પોર્ટલમાં પગાર બિલ તૈયાર કરતી વખતે સર્જાતી ટેકનિકલ મુશ્કેલીઓનો રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેમજ દર મહિનાની 1 થી 5 તારીખ દરમિયાન તમામ પ્રાથમિક શિક્ષકોને નિયમિત પગાર ચૂકવાય તે અંગે.
મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતી નોટિસો અને વહીવટી પ્રશ્નોના યોગ્ય તથા વ્યવહારુ નિરાકરણ અંગે.
છેલ્લા કેટલાક સમય દરમિયાન વિવિધ ખાતાકીય તપાસોને કારણે જિલ્લાના આચાર્યો અને શિક્ષક મિત્રોના અટકાવવામાં આવેલા ઇન્ક્રિમેન્ટના કેસોમાં માનવીય અભિગમ અપનાવી યોગ્ય રાહત અને ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે તે અંગે.
ચર્ચા દરમિયાન સંગઠનના પ્રતિનિધિઓએ શિક્ષકોના પ્રશ્નોના સમયસર અને કાયમી ઉકેલ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર વચ્ચે સતત સંવાદ અને સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અંતમાં માનનીય પ્રમુખશ્રી શ્રી સંજયભાઈ પીપળીયા તથા માનનીય ચેરમેનશ્રી શ્રી નિલેશભાઈ હીરપરાએ શિક્ષણ અને શિક્ષક હિતના પ્રશ્નોના હકારાત્મક, સંવેદનશીલ અને સમયબદ્ધ નિરાકરણ માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. સાથે જ આગામી સમયમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ પરસ્પર પૂરક બની રાજકોટ જિલ્લાના બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ, શિક્ષકોના હિત અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાના વિકાસ માટે સમન્વયપૂર્વક કાર્ય કરશે તેવી કટિબદ્ધતા બંને પક્ષે વ્યક્ત કરવામાં આવી હતી.




