GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ઇન્ટેક રાજકોટ દ્વારા નેશનલ હેરિટેજ ક્વિઝ ૫.૦ નું આયોજન

તા.૩૧/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લાની શાળાના ધો. ૭ થી ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે

Rajkot: ઇન્ટેક (INTACH) રાજકોટ ચેપ્ટર દ્વારા આગામી તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર ખાતે નેશનલ હેરિટેજ ક્વિઝ ૫.૦ નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રાજકોટ જિલ્લાની કોઈપણ શાળાના ધો. ૭ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી એક ટીમ (૨ બાળકો) ભાગ લઈ શકે છે. ક્વિઝમાં જોડાવા માટે તા. ૦૪ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ઇન્ટેક રાજકોટ સંસ્થાના ૭૮૫૯૯૩૩૭૯૧ મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

આ ક્વિઝનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈતિહાસ ભવનના સહયોગથી તેમજ હેરિટેજ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન સર્વિસીઝના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ ક્વિઝમાં ભાગ લેનાર તમામ બાળકોને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.

જિલ્લા કક્ષાએ આયોજિત સ્પર્ધામાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજકોટનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે તેમ, ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનરશ્રી રિદ્ધિ શાહે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ટેક રાજકોટ ચેપ્ટર સંસ્કૃતિ અને વારસાના જતન તેમજ જાળવણી અને જાગૃતિ અંગે કાર્યરત સંસ્થા છે. જેના દ્વારા છેલ્લા ૦૫ વર્ષથી વિદ્યાર્થીઓ માટે હેરિટેજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે.

આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં માત્ર અભ્યાસના ભાગરૂપે નહીં પરંતુ વ્યક્તિગત કક્ષાએ ભારતના પ્રાકૃતિક, જૈવિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક વારસા અંગે રુચિ કેળવવાનો છે.

Back to top button
error: Content is protected !!