AHAVADANG

રેડ એલર્ડ ના વચ્ચે નવસારી મહાનગર પાલિકા સક્રિય, મેયર અશોક ધોરાજીયા-કમિશનર જયેશ ઉપાધ્યાયનું સતત મોનિટરિંગ

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારીમાં રેડ એલર્ટ વચ્ચે મહાનગરપાલિકા એલર્ટ મોડ પર: મેયર-કમિશનરે આશ્રયસ્થાનો અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, 50થી વધુ રેસ્ક્યુ ટીમો તૈનાત

નવસારી, તા. 31 જુલાઈ: ભારતીય હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા નવસારી મહાનગરપાલિકા સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. નાગરિકોના જાનમાલની સુરક્ષા માટે મહાનગરપાલિકા દ્વારા આપત્તિ વ્યવસ્થાપન યોજના અમલમાં મૂકવામાં આવી છે. સંભવિત પૂર અને જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે તેમજ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

આ પરિસ્થિતિમાં માનનીય મેયર અશોકભાઈ ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS)ના માર્ગદર્શન હેઠળ શહેરના નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન નિરીક્ષણ હાથ ધરાયું હતું. નદીકાંઠાના તેમજ અગાઉ પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વિસ્તારોની મુલાકાત લઈને ડ્રેનેજ વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ અને પંપિંગ સ્ટેશનોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

ભારે વરસાદને કારણે જરૂરિયાત ઉભી થાય તો નાગરિકોને સલામત સ્થળે ખસેડી શકાય તે માટે તૈયાર કરાયેલા આશ્રયસ્થાનોની પણ મેયર અને કમિશનરે મુલાકાત લીધી હતી. ગારડા ચાલ મરાઠી સ્કૂલ, ભક્તાશ્રમ, મદ્રેસા હાઈસ્કૂલ, જુનાથાણા સ્થિત અંગ્રેજી માધ્યમ શાળા અને કન્યા શાળા-1 ખાતે ઉભી કરાયેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને પીવાનું શુદ્ધ પાણી, ભોજન, મેડિકલ કિટ, શૌચાલય અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી.

દરમિયાન સવારે નવસારી ટાઉન હોલ ખાતે મેયર અશોકભાઈ ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારી, ડેપ્યુટી મેયર, વિવિધ વિભાગોના ડેપ્યુટી કમિશનરો, સમિતિઓના અધ્યક્ષો, વોર્ડ નં. 2, 3, 4, 5, 6 અને 13ના કોર્પોરેટરો, આશ્રયસ્થાનોની વ્યવસ્થાપક ટીમો તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે આશ્રયસ્થાનો સુધી પહોંચાડવા માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા 50થી વધુ રેસ્ક્યુ ટીમોને કાર્યરત કરવામાં આવી છે. આ ટીમોને સ્થાનિક કોર્પોરેટરો સાથે સંકલન સાધીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. સ્થળાંતરિત પરિવારોને ભોજન, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને અન્ય આવશ્યક સુવિધાઓ સતત ઉપલબ્ધ રહે તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મેયર અશોકભાઈ ધોરાજીયાએ અધિકારીઓને ખડેપગે રહીને લોકોને મદદરૂપ થવા સૂચના આપતાં નાગરિકોને અપીલ કરી હતી કે રેડ એલર્ટ દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે, નદીકાંઠા અને જોખમી સ્થળોથી દૂર રહે તેમજ વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમોની સૂચનાઓનું પાલન કરે. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે નવસારી મહાનગરપાલિકા જરૂરી માનવબળ, સાધનો અને આધુનિક મશીનરી સાથે સંપૂર્ણપણે સજ્જ છે અને જરૂર પડ્યે નાગરિકો મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે.

Back to top button
error: Content is protected !!