AHAVADANGGUJARAT

ડાંગમાં મેઘતાંડવ યથાવત:55 કોઝવે પાણીમાં ગરકાવ થતાં 100થી વધુ ગામો સંપર્કવિહોણા, 311 વિદ્યાર્થીઓનું સ્થળાંતર

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ઉપરવાસમાં ભારે વરસાદથી અંબિકા, પૂર્ણા, ગીરા સહિતની નદીઓ બે કાંઠે; મહાલ એકલવ્ય કેમ્પસમાં પાણી ભરાતાં 311 વિદ્યાર્થીઓનું સ્થળાંતર, ગીરાધોધ પ્રવાસીઓ માટે બંધ

ડાંગ જિલ્લામાં શુક્રવારે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. સુબિર તાલુકા, ચીંચલી વિસ્તાર તેમજ ઉપરવાસમાં નોંધાયેલા ભારે વરસાદના પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા અને ધોધડ નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીઓ, વહેળાઓ, કોતરડાં અને ઝરણાઓમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળતાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.

ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા અંદાજે 55 જેટલા કોઝવે કમ પુલો પાણીમાં ગરકાવ થઈ જતા 100થી વધુ ગામોનો જિલ્લા મથક સાથેનો માર્ગ સંપર્ક તૂટી ગયો હતો. પરિણામે ગ્રામજનોને આવાગમનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પરિસ્થિતિની અસર ખેતી, પશુપાલન અને દૈનિક જીવન પર પણ જોવા મળી હતી.

સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, ચીંચલી, ગારખડી, પીપલાઈદેવી, લવચાલી, સુબિર, પીપલદહાડ, સિંગાણા, મહાલ, બરડીપાડા, ભેંસકાતરી, કાલીબેલ, ઝાવડા, પીંપરી, સાકરપાતળ અને વઘઈ સહિત જિલ્લાના પૂર્વ પટ્ટી અને સરહદી વિસ્તારોમાં દિવસભર વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.

વઘઈ નજીકનો પ્રખ્યાત ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ ભારે વરસાદના કારણે રૌદ્ર સ્વરૂપે વહેતા જોવા મળ્યા હતા. સલામતીના કારણોસર શુક્રવારે ગીરાધોધ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. બીજી તરફ ગિરિમથક સાપુતારામાં દિવસભર ગાઢ ધુમ્મસ છવાયેલું રહેતાં દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી. જેના કારણે વાહનચાલકોને દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. સાંજના સમયે સાપુતારા ઘાટમાર્ગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

જિલ્લાના અનેક કોઝવે પાણીમાં ગરકાવ હોવા છતાં કેટલાક લોકો અને વાહનચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતાં જોવા મળ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને વરસાદી પરિસ્થિતિમાં સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા માર્ગો પાર ન કરવાની અપીલ કરી છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ હતી. ભેંસકાતરી-માયાદેવી પુલ તેમજ કાલીબેલ નજીક આવેલા ગોદડિયા પુલ પરથી પાણીનો પ્રવાહ ફરી વળતાં ભેંસકાતરી-વ્યારા માર્ગ પરનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.

ભારે વરસાદના કારણે મહાલ સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના કેમ્પસમાં પૂર્ણા નદીનું પાણી ફરી વળતાં હોસ્ટેલમાં રહેતા કુલ 311 વિદ્યાર્થીઓનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને નજીકની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. સ્થળાંતરની કામગીરી દરમિયાન મામલતદાર સુબિર, પોલીસ અધિકારીઓ, ગામના આગેવાનો તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહી સમગ્ર કામગીરીનું સંકલન કર્યું હતું.

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન આહવામાં 136 મિમી (5.44 ઇંચ), સાપુતારામાં 127 મિમી (5.08 ઇંચ), વઘઈમાં 163 મિમી (6.52 ઇંચ) અને સૌથી વધુ સુબિરમાં 231 મિમી (9.24 ઇંચ) વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા નદી-નાળાં, કોઝવે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તથા સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!