મુશળધાર વરસાદે કાલોલને બાનમાં લીધું: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાયો.

તારીખ ૦૧/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી. જ્યાં અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી. ત્યારે નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે.હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.






