BHARUCHNETRANG

નેત્રંગમાં ૧૦ કલાકમાં પોણા ૧૧ ઇંચ વરસાદ, અમરાવતી નદી સહિત તમામ નદી-નાળાઓમાં ધોડાપૂર, ૩૭ ગામોને એલર્ટ

 

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

હવામાન ખાતાની આગાહી મુજબ નેત્રંગ નગર સહિત સમગ્ર પંથકમાં ગઈકાલે રાત્રિના ૨ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આજે પણ અવિરત ચાલુ છે. છેલ્લા ૧૦ કલાકમાં પોણા ૧૧ ઇંચ એટલે કે ૨૬૮ મી.મી. વરસાદ નોંધાયો છે. જેને પગલે અમરાવતી નદી સહિત તમામ નદી-નાળાઓમાં ધોડાપૂર આવતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

 

૧૦ કલાકમાં ૨૬૮ મી.મી. વરસાદ

૩૧મી જુલાઈ રાત્રિના ૨ થી સવારના ૬ વાગ્યા સુધીમાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે સવારના ૬ થી બપોરના ૪ વાગ્યા સુધીમાં એકધારા સબેલધાર વરસાદને કારણે વધુ ૨૬૮ મી.મી. વરસાદ પડ્યો છે. જેની સાથે મોસમનો કુલ વરસાદ ૧૦૯૦ મી.મી. એટલે કે ૪૩.૬ ઇંચ થયો છે.

 

નદીઓમાં ધોડાપૂર, નીચાણવાળા વિસ્તારો બેટમાં

નેત્રંગ નગરમાંથી પસાર થતી અમરાવતી નદીમાં આજે સવારે ૮.૧૫ કલાકથી ધોડાપૂર આવ્યું છે. અન્ય નદી-નાળાઓમાં પણ પાણીની સપાટી વધી ગઈ છે. નેત્રંગની નવી વસાહતના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જતાં વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. જેસીબી મશીન દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

 

આ સમયે નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, તાલુકા મામલતદાર કલ્પેશ ગળિયા, ટીડીઓ હરીશ પટેલ અને નેત્રંગ પોલીસ સ્ટાફ નવી વસાહત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.

 

૩ ડેમ ઓવરફ્લો, ૩૭ ગામોને એલર્ટ

 

ધોલી સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મેહુલ ચૌધરીના જણાવ્યા મુજબ આજે બપોરે ૨.૧૫ કલાકે નાની સિંચાઈ યોજના હેઠળના ધોલી, બલદેવા અને પિંગુટ ડેમ ઓવરફ્લો થયા છે.

 

બલદેવા ડેમ જળસપાટી ૧૪૦.૬૦ મીટર, ૪૨૫૩ ક્યુસેક પાણીનો ઓવરફ્લો.સાંજના ૪ વાગ્યા સુધીમાં ડેમ સાઇટ પર મૌસમનો કુલ વરસાદ ૧૦૮૦ મી.મી.( ૪૩.૨ ઇચ )

નીચાણવાળા કાંઠાના ગામો: નેત્રંગ તાલુકાના – બલદેવા, કંબોડિયા, પાંચસીમ, બોરખાડી, ઝરણા, ચાસવડ.

વાલિયા તાલુકાના – દોલતપુર, ડહેલી, દેશાડ, શીર, કેસરગામ, સીંગલા, પીઠોર.

પિંગુટ ડેમ: જળસપાટી ૧૪૦.૬૦ મીટર, ૪૫૩૩ ક્યુસેક પાણીનો ઓવરફ્લો.મૌસમનોં કુલ વરસાદ સાંજના ૪ વાગ્યા સુધીમાં ૧૦૩૦ મી.મી ( ૪૧ ઇચ )

નીચાણવાળા કાંઠાના ગામો: નેત્રંગ તાલુકાના – મૌઝા, કામલીયા, ચીખલી.

વાલિયા તાલુકાના – ગુંદિયા, જ. રાજપુરા, જાંબુગામ, વાંદરિયા, ચોરઆમલા, ઉમરગામ, સોડગામ, સિનાડા, નવાપુરા, ડહેલી.

ધોલી ડેમ: જળસપાટી ૧૩૬.૪૦ મીટર, ૩૮૨૧ ક્યુસેક પાણીનો ઓવરફ્લો.

નીચાણવાળા કાંઠાના ગામો: ઝઘડિયા તાલુકાના ૧૨ ગામો – ધોલી, રઝલવાડા, બીલવાડા, કાંટોલ, કપાટ, તેજપુર, હરીપુરા, સારસા, રાજપારડી, વણાકપોર, જરસાડ, રાજપુરી.

 

ઉપરોક્ત ત્રણેય તાલુકાના કુલ ૩૭ કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

 

હાલ વરસાદ અવિરત ચાલુ છે. તંત્રના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. નેત્રંગ તાલુકા વ

હીવટી તંત્ર એલર્ટ મોડમાં છે.

 

 

Back to top button
error: Content is protected !!