AHAVADANGGUJARAT

ડાંગમાં બીજા દિવસે પણ મધ્યમ વરસાદ યથાવત: 12 કોઝવેકમ પુલો હજુ પણ પાણીમાં ગરકાવ, 20 ગામો પ્રભાવિત

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં શુક્રવારે પડેલા ભારે વરસાદ બાદ શનિવારે પણ મધ્યમ સ્વરૂપનો વરસાદ યથાવત રહ્યો હતો. વરસાદનું જોર ઘટતાં જિલ્લાના જનજીવનને આંશિક રાહત મળી હતી, પરંતુ મુખ્ય નદીઓમાં પાણીનો પ્રવાહ સતત બીજા દિવસે પણ ગાંડોતૂર રહ્યો હતો.

શુક્રવારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે 55 જેટલા નીચાણવાળા કોઝવેકમ પુલો પાણીમાં ગરકાવ થતાં આશરે 100 જેટલા ગામો પ્રભાવિત થયા હતા. જોકે શનિવારે વરસાદનું પ્રમાણ ઘટતાં પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. હાલમાં 12 જેટલા કોઝવેકમ પુલો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી આશરે 20 ગામો અસરગ્રસ્ત રહ્યા હતા.

ડાંગની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓમાં પાણીનો પ્રવાહ હજુ પણ ઊંચા સ્તરે યથાવત રહ્યો હતો. વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં જિલ્લામાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં જનજીવન ધીમે-ધીમે સામાન્ય બનવા લાગ્યું હતું.

આહવા તાલુકાના ડોન હિલ સ્ટેશન જતાં માર્ગ પર માટી અને પથ્થરોનો મલબો ધસી પડતાં થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જ્યારે વઘઈ તાલુકામાં પણ ભારે વરસાદના કારણે કેટલાક કોઝવેને નુકસાન પહોંચ્યું હતું. માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરી અસરગ્રસ્ત માર્ગો પરથી મલબો હટાવી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.

બીજી તરફ ગિરિમથક સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે ગાઢ ધુમ્મસની સફેદ ચાદર છવાઈ જતાં સમગ્ર વિસ્તારનું કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું હતું. સાપુતારા, આહવા, વઘઈ, સુબિર સહિત પૂર્વ પટ્ટી અને સરહદી વિસ્તારોમાં દિવસ દરમિયાન મધ્યમ વરસાદ નોંધાયો હતો.

વરસાદના પગલે વઘઈનો ગીરા ધોધ તેમજ ગિરિમાળનો ગીરા ધોધ અખૂટ જળરાશિ સાથે ધસમસતા વહેતા જોવા મળ્યા હતા, જેના કારણે કુદરતી સૌંદર્યમાં વધુ વધારો થયો હતો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન સુબિર પંથકમાં 67 મિમી (2.68 ઈંચ), સાપુતારામાં 98 મિમી (3.92 ઈંચ), આહવામાં 103 મિમી (4.12 ઈંચ) અને સૌથી વધુ વઘઈ પંથકમાં 178 મિમી (7.12 ઈંચ) વરસાદ નોંધાયો હતો.

Back to top button
error: Content is protected !!