
ફૈઝ ખત્રી..શિનોર
શિનોર પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઇંચથી વધુ વરસાદ વરસતાં સેગવા સ્થિત ક્રુભકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોંયરાના ગોડાઉનમાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે અંદાજે ₹5 લાખ 67 હજારની કિંમતનું કુલ 1,994 બેગ ખાતર સંપૂર્ણપણે નુકસાન પામ્યું છે.
નુકસાન પામેલા ખાતરમાં 1,840 બેગ યુરિયા, 100 બેગ સાગરિક ખાતર, 48 બેગ એસ.એસ.પી. અને 6 બેગ ડી.એસ.પી. ખાતરનો સમાવેશ થાય છે.
શિનોર તાલુકા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર ભટ્ટે ઘટનાની જાણ મામલતદાર તેમજ વીમા કંપનીને ટેલિફોન દ્વારા કરી છે. ઘટનાની જાણ થતાં શિનોર વહીવટી તંત્ર પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું છે અને નુકસાનનો સર્વે તથા આગળની કાર્યવાહી હાથ ધરી છે.



