
શેખપુર: શેખપુર ( રૂંઢ ) ગ્રામ પંચાયત વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે ગામના અનેક રસ્તાઓ પર મોટા ખાડા અને કાદવના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ, ગામ તળ વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં આવેલા કેટલાક મકાનો તરફ રાતોરાત સી.સી./આરસીસી રોડનું કામ થતાં વિકાસના ધોરણો અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
આ મુદ્દે રિપોર્ટર દ્વારા સરપંચ પતિ પ્રવીણભાઈનો ટેલિફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો. રિપોર્ટરના જણાવ્યા મુજબ તેમણે ઉગ્ર સ્વરમાં જવાબ આપતાં, “અમારે શું કાદવમાં રહેવાનું? ગામમાં બીજે ક્યાં કાદવ છે, ક્યાં ખાડા છે તે મને બતાવો, કાલે બતાવજો,” તેમ કહી ફોન સમાપ્ત કર્યો.
આ ઘટનાએ ગ્રામજનોમાં વધુ ચર્ચા જગાવી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો થોડા ઘરો સુધી રાતોરાત સી.સી. રોડ બની શકે, તો સમગ્ર ગામના જોખમી ખાડાઓ રાતોરાત કેમ પુરાઈ શકતા નથી? વિકાસના કામોમાં સમાનતા કેમ જોવા મળતી નથી? શું સમગ્ર ગામના નાગરિકોને સમાન સુવિધાનો અધિકાર નથી?
ગ્રામજનોની માંગ છે કે પંચાયત વિકાસના કામોમાં સંપૂર્ણ પારદર્શિતા દાખવે, ગામના તમામ ખરાબ રસ્તાઓનું તાત્કાલિક સર્વેક્ષણ કરી સમયબદ્ધ કામગીરી જાહેર કરે અને માત્ર પસંદગીના વિસ્તારો નહીં, પરંતુ સમગ્ર ગામને સમાન વિકાસનો લાભ મળે તે સુનિશ્ચિત કરે.
નોંધ: સરપંચ પક્ષ અથવા ગ્રામ પંચાયત તરફથી આ મુદ્દે કોઈ વિગતવાર સ્પષ્ટતા પ્રાપ્ત થશે તો તેને પણ સમાન મહત્વ સાથે પ્રકાશિત કરવામાં આવશે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત








