વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નડાબેટ ખાતે ભારત વિકાસ પરિષદનું પ્રાંતીય મહિલા સંમેલન-૨૦૨૬ યોજાયું
મંત્રીશ્રી રિવાબા જાડેજા અને શ્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં નડાબેટથી મહિલા શક્તિ, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ લેવાયો

2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આધુનિક ટેક્નોલોજી અને એ.આઈ વિકાસ માટે આશીર્વાદ સમાન છે, પરંતુ તેનો જવાબદારી સાથે ઉપયોગ કરવો જોઈએ:- વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી માતૃશક્તિનું સશક્તિકરણ એટલે પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ:- મંત્રીશ્રી રિવાબા જાડેજા સરહદી વિસ્તારોમાં આવા સામાજિક અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાવાથી રાષ્ટ્રીય એકતા અને જનભાગીદારીની ભાવના વધુ સશક્ત બનશે:- મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ઐતિહાસિક નડાબેટ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાંતીય મહિલા સંમેલન-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ, ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્ય મંત્રીશ્રી રિવાબા જાડેજા તથા રાજ્યમંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો, હોદ્દેદારો, સમાજસેવકો અને આગેવાનો સંમેલનમાં જોડાયા હતા.આ સંમેલનમાં મહિલા સશક્તિકરણ, સમાજ સેવા, શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની અગત્યની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ભારત વિકાસ પરિષદની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી તેમજ મહિલા કાર્યકરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ માત્ર સમાજસેવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને સેવા જેવા મૂલ્યોને સમાજમાં પ્રસ્થાપિત કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. સંસ્થા સાથે જોડાયેલા દરેક કાર્યકર રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપવાના ભાવ સાથે કાર્ય કરે છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે ભારત વિકાસ પરિષદની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, આજે નડાબેટ અને સમગ્ર સરહદી વિસ્તારનો થયેલો વિકાસ દેશના દૂરંદેશી નેતૃત્વનું પરિણામ છે. વર્ષો પહેલાં જ્યાં ચોમાસામાં અવરજવર પણ મુશ્કેલ હતી, ત્યાં આજે આધુનિક માર્ગો, પ્રવાસન અને બોર્ડર ટુરિઝમનો વિકાસ થયો છે. વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી તરીકે સરહદી વિસ્તારના વિકાસનું જે સ્વપ્ન જોયું હતું તે આજે સાકાર બનતું જોવા મળી રહ્યું છે.અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, માતૃશક્તિ સમાજ અને પરિવારની સૌથી મોટી શક્તિ છે. બાળકના સંસ્કારથી લઈને રાષ્ટ્રના ઘડતર સુધી મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. તેમણે પરિવારમાં દીકરો અને દીકરીને સમાન તક આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ મોબાઇલ અને ટેક્નોલોજીના વધતા પ્રભાવ અંગે જાગૃત રહેવા, બાળકો સાથે વધુ સમય વિતાવવા અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) સહિતની ટેક્નોલોજીનો સદુપયોગ કરવાની પણ અપીલ કરી હતી.આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ભારત એ વિશ્વનો એકમાત્ર દેશ છે જેને આપણે ‘ભારત માતા’ તરીકે વંદન કરીએ છીએ. માતૃભૂમિ પ્રત્યેનો આ ભાવ જ આપણા રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે. ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ સ્વામી વિવેકાનંદજીના વિચારોને આત્મસાત કરીને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખી સમાજમાં સેવા અને સંસ્કારનું કાર્ય કરી રહી છે.તેમણે જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માત્ર મહિલાઓના વિકાસ સુધી મર્યાદિત નથી, પરંતુ તે મજબૂત પરિવાર, સશક્ત સમાજ અને વિકસિત રાષ્ટ્રનું પાયાનું સ્તંભ છે. સરહદી વિસ્તારમાં યોજાયેલું આ સંમેલન મહિલાઓમાં રાષ્ટ્રપ્રેમ, સેવા અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવશે.આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, નડાબેટ જેવી પવિત્ર અને રાષ્ટ્રભક્તિની ધરતી પર યોજાયેલું આ મહિલા સંમેલન સમાજમાં સેવા, સંસ્કાર અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવશે. મહિલાઓની સક્રિય ભાગીદારી વિના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓના સર્વાંગી વિકાસ, આત્મનિર્ભરતા અને સામાજિક સશક્તિકરણ માટે સતત કાર્યરત છે. આવી સંસ્થાઓના માધ્યમથી સમાજમાં જાગૃતિ, સેવા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ વધુ વ્યાપક રીતે પહોંચે છે.આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના વિવિધ હોદ્દેદારો, આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારતની પશ્ચિમ સરહદ પર આવેલા નડાબેટ ખાતે યોજાયેલ આ સંમેલને મહિલા સશક્તિકરણ સાથે રાષ્ટ્રસેવાનો પણ પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.













