BHARUCHGUJARATNETRANG

દીકરીના જન્મદિવસે કેક નહીં, ફળ અને વૃક્ષોના રોપાં વહેંચ્યાં; આજોલીમાં પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ

 

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ : જન્મદિવસની ઉજવણીને સમાજોપયોગી કાર્ય સાથે જોડતી પ્રેરણાદાયી પહેલ નેત્રંગ તાલુકાના આજોલી ગામમાં જોવા મળી હતી. ગણેશ વસાવાએ પોતાની દીકરી કાવ્યાબેનના જન્મદિવસે કેક કાપવા કે ભવ્ય ઉજવણી કરવાને બદલે ગ્રામજનોને ફળ અને વૃક્ષોના રોપાઓનું વિતરણ કરી પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો હતો.

 

આ પ્રસંગે તેમણે ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેનું જતન કરવા અને હરિયાળું પર્યાવરણ નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી. ગણેશ વસાવાએ જણાવ્યું હતું કે જન્મદિવસ જેવા શુભ પ્રસંગોને માત્ર ઔપચારિક ઉજવણી પૂરતા મર્યાદિત રાખવાને બદલે સમાજહિત અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સાથે જોડવામાં આવે તો તે સાચા અર્થમાં યાદગાર બની શકે છે.

 

તેમણે જણાવ્યું હતું કે વૃક્ષોનું વાવેતર અને તેનું જતન આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણની અમૂલ્ય ભેટ આપી શકે છે. આ અનોખી પહેલને ગ્રામજનોએ હર્ષભેર વધાવી લીધી હતી અને કાવ્યાબેનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

ઉપસ્થિત લોકોએ પણ જન્મદિવસ તેમજ અન્ય શુભ પ્રસંગોની ઉજવણી વૃક્ષારોપણ અને અન્ય સમાજોપયોગી કાર્યો સાથે કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગણેશ વસાવાની આ પહેલ સમગ્ર વિસ્તારમાં પ્રેરણારૂપ બની છે.

Back to top button
error: Content is protected !!