ઇડર તાલુકાના નેત્રામલી ખાતે RGSA અંતર્ગત સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓ માટે ક્ષમતાવર્ધન તાલીમ કાર્યક્રમ યોજાયો

ઇડર તાલુકાના નેત્રામલી ખાતે RGSA અંતર્ગત સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓ માટે ક્ષમતાવર્ધન તાલીમ કાર્યક્રમ યોજાયો
*
તાલીમ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના સ્થાનિક પ્રશ્નોનું સરળ અને સાનુકૂળ નિરાકરણ મેળવ્યું
*
ઇડર તાલુકાના નેત્રામલી ખાતે રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા (RGSA) અંતર્ગત ઇડર તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ અને ચૂંટાયેલા સભ્યશ્રીઓ માટે ક્ષમતાવર્ધન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિવ્યાબેન ચૌધરી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી ભરત એન. ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દિવ્યાબેન ચૌધરી એ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત એ આપણી લોકશાહીનો પાયો છે. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોઈપણ ભેદભાવ વિના ગામની સુખાકારી અને પાયાની સુવિધાઓ વધારવા માટે સક્રિયપણે કામ કરવું જોઈએ. આ તાલીમમાં મળેલા જ્ઞાન થકી આપણે સૌ સાથે મળીને આપણા ગામડાઓને ‘આદર્શ અને સ્માર્ટ ગામ’ બનાવવાની દિશામાં આગળ વધીશું.”
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ભરત એન. ચૌધરીએ જણાવ્યું હતું કે,ગ્રામીણ વિકાસ એ રાજ્ય અને દેશના વિકાસની કરોડરજ્જુ છે. સરપંચ અને પંચાયતના સભ્યો ગામના વિકાસના સાચા શિલ્પી છે. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) નો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓને વધુ સુદઢ, પારદર્શક અને આત્મનિર્ભર બનાવવાનો છે. મને પૂરો વિશ્વાસ છે કે આ તાલીમ થકી પંચાયતના પ્રતિનિધિઓ ડિજિટલ ટેકનોલોજીના સમન્વય અને સામુહિક જનભાગીદારીથી છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવામાં સફળ રહેશે.”પારદર્શક, જવાબદાર અને જનભાગીદારી આધારિત વહીવટ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચાડવો એ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ જવાબદારી છે.
આ તાલીમ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થામાં સરપંચ અને સભ્યોની ભૂમિકા, ગ્રામસભાનું મહત્વ, ગ્રામ પંચાયતનો વહીવટ, નાણાકીય વ્યવસ્થાપન, સ્વચ્છતા, ડિજિટલ ગવર્નન્સ, વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ તથા ગ્રામ વિકાસ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે કારોબારી ચેરમેનશ્રી, વિસ્તરણ અધિકારીશ્રીઓ તથા તાલીમકારોએ વિવિધ વિષયો પર સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ક્ષમતાવર્ધન તાલીમમાં ઉપસ્થિત સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓએ ઉત્સાહપૂર્વક તાલીમમાં ભાગ લઈ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના પ્રશ્નોનું સરળ નિરાકરણ મેળવ્યું હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા




